નર્મદા ગુજરાત પેટર્ન યોજના વર્ષ 2026-27 અંતર્ગત તિલકવાડા તાલુકાને મળતી વિવિધ હેડની ગ્રાન્ટમાંથી હાથ ધરાનારા વિકાસનાં કામોની યાદીને લઈને વિવાદ ઊભો થયો છે. તાલુકા પંચાયત પ્રમુખ સહિત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગુજરાત પેટર્ન સમિતિના સભ્યોએ પ્રાયોજના વહીવટદાર દ્વારા મનમાની કરવામાં આવી હોવાનો આક્ષેપ કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે.

મળતી માહિતી મુજબ, તિલકવાડા તાલુકા પંચાયતનાં પ્રમુખ મમતાબેન તડવી સહિત સરકાર દ્વારા નિયુક્ત સભ્ય અને જિલ્લા પંચાયતના સભ્યો દ્વારા આદિવાસી વિસ્તારના વિકાસ માટે વિવિધ કામો સૂચવવામાં આવ્યાં હતાં. આ કામોની યાદી તા. 07/08/2026ના રોજ તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા પ્રાયોજના વહીવટદારને રૂબરૂમાં સોંપવામાં આવી હતી. આ યાદીની નકલ પર પ્રાયોજના વિભાગની સહી-સિક્કા મેળવી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.

જોકે, ત્યારબાદ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળેલી જિલ્લા ગુજરાત પેટર્ન સમિતિની બેઠકમાં પ્રાયોજના વહીવટદાર દ્વારા રજૂ કરવામાં આવેલી વિકાસ કામોની યાદીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સૂચવેલાં કામોનો સમાવેશ કરવામાં આવ્યો ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેના બદલે અન્ય કામોની યાદી રજૂ કરવામાં આવી હોવાનો પણ વિરોધ કરાયો છે.

આ મામલે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગુજરાત પેટર્ન સમિતિના સભ્યોએ રજૂ કરાયેલી યાદી અંગે સવાલો ઉઠાવી પ્રાયોજના વહીવટદાર પાસેથી ખુલાસો માંગ્યો હતો. જોકે, સંતોષકારક જવાબ મળ્યો ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વધુમાં, આ યાદી પર પ્રભારી મંત્રીશ્રીની સહી પણ કરાવવામાં આવી હોવાનું આવેદનપત્રમાં જણાવાયું છે.

આ સમગ્ર મામલે તિલકવાડા તાલુકાના વિકાસ કામો સાથે અન્યાય થયો હોવાની રજૂઆત સાથે તાલુકા પંચાયત પ્રમુખ મમતાબેન હિતેશભાઈ તડવી સહિતના પ્રતિનિધિઓએ નર્મદા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સૂચવેલાં વિકાસ કામોનો સમાવેશ કરવા અને સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી ન્યાય આપવા માંગ કરી છે.

હવે આ રજૂઆત બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર મંડાઈ છે.