ભરૂચના નેત્રંગ તાલુકાના કાકડકુઈ સ્થિત માધવ વિદ્યાપીઠ ખાતે જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે પરંપરાગત ગ્રામ્ય રમતોત્સવ યોજાયો હતો. જેમાં તીરંદાજી, કબડ્ડી, ખો-ખો, રસ્સાખેંચ, કોથળા દોડ, લંગડી સહિતની 10થી વધુ પરંપરાગત રમતોની સ્પર્ધાઓ યોજાઈ હતી.
આ રમતોત્સવમાં 96 પુરુષ અને 94 મહિલા મળી કુલ 190 ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જ્યારે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.આયોજનનો મુખ્ય હેતુ આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાગત રમતોને જાળવી રાખવા સાથે યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપવાનો હતો. રમતોત્સવ થકી ગ્રામ્ય રમતગમતની પરંપરાને નવી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરાયો હતો.
