રોટલીયા હનુમાન રોડ પર શ્રેય મોલ નજીકની ઘટના

બુકાનીધારી શખ્સોએ 5થી 6 રાઉન્ડ ગોળીબાર કર્યો

હુમલાખોરો ફાયરિંગ કરી ફરાર, વેપારીઓમાં ફફડાટ

SP સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડ્યા

CCTV ફૂટેજ અને પુરાવા એકત્ર કરવાની કામગીરી તેજ

પાટણ શહેરના રોટલીયા હનુમાન રોડ પર શ્રેય મોલ સ્થિત જીમની બહાર ઉભેલા એક વ્યક્તિ પર બુકાનીધારી શખ્સે ગોળીબાર કર્યો હતો, ત્યારે ધોળા દિવસે ફાયરિંગ થતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર અને ફફડાટ મચી ગયો છે.

પાટણ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકાર ફેંકીને અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવી ઘટના સામે આવી છે. શહેરના રહેણાંક વિસ્તાર એવા રોટલીયા હનુમાન રોડ પર આવેલા શ્રેય મોલના જીમ બહાર ઉભેલા વ્યક્તિ પર બુકાનીધારી હુમલાખોરે ઉપરાછાપરી 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જોકે, ધોળા દિવસે રહેણાંક વિસ્તારમાં ગોળીબારનો અવાજ સંભળાતા જ આસપાસના લોકોમાં ભારે નાસભાગ અને ભયનો માહોલ સર્જાયો હતો.

ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યા બાદ બુકાનીધારી આરોપી સ્થળ પરથી ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. બનાવની જાણ થતાં જ પાટણ જિલ્લા પોલીસનો મોટો કાફલો, LCB, SOG અને FSLની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. FSL દ્વારા ઘટનાસ્થળેથી ફાયરિંગના પુરાવા અને ખાલી કારતૂસ એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જ્યારે પોલીસની અલગ-અલગ ટીમોએ CCTV ફૂટેજના આધારે ફરાર બુકાનીધારી હુમલાખોરને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.