અમદાવાદના ચકચારી ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં એક મોટો અને ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે. નવ નિર્દોષ લોકોનો ભોગ લેનાર આ દુર્ઘટનાના મુખ્ય આરોપી તથ્ય પટેલ સામે હાલ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં કેસની ટ્રાયલ ચાલી રહી છે. આ ટ્રાયલ દરમિયાન મળતી માહિતી મુજબ, અકસ્માત સમયે તથ્ય પટેલની સાથે કારમાં સવાર તેના પાંચેય મિત્રો ગાડીની ઝડપના મુદ્દે પોતાના અગાઉના નિવેદનથી ફરી ગયા છે એટલે કે ‘હોસ્ટાઈલ’ થયા છે.

અકસ્માતની રાત્રે તથ્ય પટેલની કારમાં તેની સાથે માલવિકા પટેલ, શાન સોની, ધ્વનિ પંચાલ, આર્યન પંચાલ અને શ્રેયા પટેલ બેઠેલા હતા. પોલીસ તપાસ દરમિયાન આ પાંચેય સાક્ષીઓ સહિત અન્ય કેટલાક મહત્વના સાક્ષીઓના CrPCની કલમ 164 મુજબ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદનો નોંધવામાં આવ્યા હતા.
તે સમયે મેજિસ્ટ્રેટ સમક્ષ આપેલા નિવેદનમાં આ પાંચેય મિત્રોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, અકસ્માત સમયે તથ્ય ખૂબ જ બેફામ અને પૂરપાટ ઝડપે ગાડી ચલાવી રહ્યો હતો. કારમાં બેઠેલા અમે બધાએ તેને ગાડી ધીમી કરવા માટે વારંવાર ટોક્યો હતો, પરંતુ તે માન્યો ન હતો અને તેના કારણે જ આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. જોકે, હવે જ્યારે કોર્ટમાં ટ્રાયલ ચાલી રહી છે ત્યારે આ પાંચેય મિત્રોએ આરોપી તથ્ય પટેલને બચાવવાના ઈરાદે ગાડીની ઝડપ મામલે પોતાના અગાઉના નિવેદનથી પલટી મારી છે.
કાયદાકીય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આરોપીના નજીકના મિત્રો ટ્રાયલ દરમિયાન ફરી જવા છતાં પણ કેસ નબળો પડવાની કે ગાડીની અતિશય ઝડપની હકીકત ખોટી પડવાની શક્યતા નહિવત છે. આ કેસમાં મૌખિક જુબાની કરતાં પણ વધુ મજબૂત સાયન્ટિફિક અને ટેક્નિકલ પુરાવાઓ અદાલત સમક્ષ રજૂ કરવામાં આવેલા છે.
