ગુજરાતનું શિક્ષણ વિભાગ પાંગળું થતું દેખાય રહ્યું છે ત્યારે સરકારી શાળાના શિક્ષકો બેફામ બન્યા છે. ખેડામાં શિક્ષક ઊંઘતા જોવા મળ્યા તો બીજી તરફ વીરપુરમાં શિક્ષક દારૂની બોટલ સાથે ફોટો પડાવી રહ્યા છે ત્યારે વિધાર્થીઓના ભાવિ ખતરામાં હોય તેમ લાગી રહ્યું છે.

ગુજરાતમાં દિવસેને દિવસે શિક્ષણની સ્થિતિ કથળતી હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે . અનેકવાર ગુજરાતમાં શિક્ષણ વિભાગ સામે સવાલ ઊભા કરે તેવાં કેટલાંય પ્રશ્નો આવી ચૂક્યાં છે. ત્યારે ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાની ચારણ નિકોલ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક ચાલુ ક્લાસે ઊંઘતા ઝડપાયા છે. તો બીજી તરફ, વીરપુર તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્યના પતિએ યોજેલી પાર્ટીમાં શિક્ષકો દારૂની બોટલો સામે ઝૂમતા દેખાય છે તેવો વીડિયો વાઇરલ થયો હતો.

વળી, એમાંય ગુજરાતના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી ભાવનગરના ચિત્રા ફુલસર વિસ્તારમાં બાળકો સાથે હિંચકે ઝૂલતા જોવા મળ્યા હતા. આવી પરિસ્થિતિને કારણે જ ગુજરાતમાં શિક્ષણની હાલત કથળી રહી છે. ત્યારે હવે જોવું રહ્યું કે આવા શિક્ષકો સામે ખરેખર કડક કાર્યવાહી કરે છે કે પછી શિક્ષણ વિભાગ આંખ આડા કાન કરશે..