પ્રાચીન ઓમકારેશ્વર મહાદેવ મંદિરનો અદ્ભુત મહિમા
મકતમપુર સ્થિત 68 વર્ષ પ્રાચીન મંદિર આવેલું છે
શિવજી અને પાવન સમાધિ સ્થળનું અલૌકિક સંગમ
શ્રદ્ધાળુઓ માટે પરમ આસ્થા અને શાંતિનું અજોડ કેન્દ્ર
દિવ્ય ચેતના અને પરમ શાંતિની અનુભૂતિ કરાવતું આસ્થાનું કેન્દ્ર
નર્મદા કિનારે વસેલી ભરૂચની પવિત્ર ભૂમિ પર અનેક દિવ્ય ધામો આવેલા છે, પરંતુ મકતમપુરના મુખ્ય માર્ગને અડીને આવેલું ‘ૐ કારેશ્વર મહાદેવ મંદિર’ શ્રદ્ધાળુઓ માટે પરમ આસ્થા અને શાંતિનું અજોડ કેન્દ્ર બની રહ્યું છે.
નર્મદા કિનારે વસેલી ભરૂચની પવિત્ર ભૂમિ પર અનેક દિવ્ય ધામો આવેલા છે, પરંતુ મકતમપુરના મુખ્ય માર્ગને અડીને આવેલું ‘ૐ કારેશ્વર મહાદેવ મંદિર’ શ્રદ્ધાળુઓ માટે પરમ આસ્થા અને શાંતિનું અજોડ કેન્દ્ર બની રહ્યું છે.મુખ્ય રસ્તા પર હોવા છતાં, આ ધામમાં પ્રવેશતાં જ એક અદ્ભુત અને પરમ શાંતિનો અનુભવ થાય છે.
લગભગ 68 વર્ષ જૂના આ પવિત્ર મંદિરની સ્થાપના પરમ પૂજ્ય સ્વામી શ્રી સ્વયં જ્યોતીતીર્થજી દ્વારા કરવામાં આવી હતી. એવું કહેવાય છે કે સ્વામીજી જ્યારે કઠોર તપસ્યામાં લીન હતા, ત્યારે તેમણે સાક્ષાત દેવાધિદેવ મહાદેવના દર્શન અને શિવલિંગનો આભાસ થયો હતો. તેમણે પોતાની સમગ્ર તપસ્યા શિવજીના આ દિવ્ય સ્થાનની સ્થાપના માટે અર્પણ કરી દીધી હતી. અત્યંત દુર્લભ અને અલૌકિક બાબત તો એ છે કે, આ પરિસરમાં જ સદાશિવ સાનિધ્યે સ્વામીજીની પાવન સમાધિ પણ આવેલી છે.
આ ધામની અલૌકિકતાનો અનુભવ તો દરરોજ વહેલી સવારે થાય છે, જ્યારે સૂર્યોદય થતાં જ સવારે 6:45 કલાકે સૂર્યનારાયણના પ્રથમ સોનેરી કિરણો સીધા જ દિવ્ય શિવલિંગ પર પડે છે. રોજેરોજ સવારે 6 : 15 અને સાંજે 7:00 કલાકે થતી મહાઆરતીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે. આરતી બાદ શિવ મહિમ્ન સ્તોત્રના પવિત્ર પાઠથી સમગ્ર વાતાવરણ શિવમય બની જાય છે. એટલું જ નહીં, દર ગુરુવારે દત્ત બાવની અને શનિવારે હનુમાન ચાલીસાના પાઠમાં શ્રદ્ધાળુઓ ભક્તિરસમાં તરબોળ થાય છે.
વિશેષ કરીને પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પૂજારી દ્વારા રોજેરોજ શિવલિંગને ઉજ્જૈનના મહાકાલેશ્વર જેવા આબેહૂબ અને ભવ્ય શૃંગાર કરવામાં આવે છે. આખી શ્રાવણ માસ દરમિયાન અહીં પાર્થેશ્વર મહાદેવની સ્થાપના કરાય છે, જેના દર્શન માત્રથી ભક્તો ધન્યતા અનુભવે છે. શ્રાવણના અંતિમ દિવસે અહીં અલૌકિક શૃંગાર અને મહાઆરતીનું આયોજન થાય છે. સામાન્ય રીતે આપણને શ્રીકૃષ્ણ ભગવાનના અન્નકૂટ જોવા મળતા હોય છે, પરંતુ આ ધામની ખાસિયત એ છે કે અહીં દેવદિવાળીના પાવન પર્વે મહાદેવનો ભવ્ય અન્નકૂટ મહોત્સવ યોજાય છે.
હાલમાં જ ગુરુપૂર્ણિમાના પર્વની પણ અહીં ભાવસભર ઉજવણી કરવામાં આવી હતી. જો તમે પણ ભૌતિક દોડધામ વચ્ચે દિવ્ય ચેતના અને પરમ શાંતિની અનુભૂતિ કરવા માંગતા હોવ, તો ભરૂચના આ ઓમકારેશ્વર મહાદેવ ધામના દર્શન એકવાર જરૂર કરવા જેવા છે.
