ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને મહાન શિક્ષણવિદ્ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિનને સમગ્ર દેશમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. તા. 5 સપ્ટેમ્બર, શનિવારના રોજ એસ.વી.ઈ.એમ. (ગુજરાતી માધ્યમ) શાળામાં ધોરણ 12 સાયન્સ અને ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓ દ્વારા સ્વશાસન દિવસ તરીકે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ એક દિવસ માટે શિક્ષકની ભૂમિકા નિભાવી શિક્ષકની જવાબદારી અને કાર્યપદ્ધતિનો અનુભવ કર્યો હતો.
આ પ્રસંગે અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે 25 વર્ષ કે તેથી વધુ સમયથી સેવા આપનાર શિક્ષકો, સેવક ભાઈઓ તથા શાળાના સુરક્ષા કર્મચારીઓનું સન્માન કરવાનો કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું આયોજન મા શારદા ભવન ખાતે કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શુભ શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમના મુખ્ય મહેમાન જીગ્નેશભાઈ અંદાડિયા, પ્રમુખ અંકલેશ્વર નગરપાલિકા સેવા સદનનું અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ શાહ દ્વારા સ્મૃતિભેટ અર્પણ કરી સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનો શુભ હેતુ અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટના મંત્રી ડૉ. મહેન્દ્રભાઈ પંચાલ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. શાળામાં 25 વર્ષ કે તેથી વધુ સમય સુધી નિષ્ઠાપૂર્વક સેવા પ્રદાન કરનાર શિક્ષકઓ, સેવક ભાઈઓ તથા સુરક્ષા કર્મચારીઓનું એવોર્ડ અને પ્રશસ્તિપત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટના ઉપપ્રમુખ હરીશ જોશીએ પોતાના ઉદ્બોધનમાં શિક્ષકોને મૂલ્ય શિક્ષણ પર વિશેષ ભાર મૂકવા જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે માત્ર શૈક્ષણિક જ્ઞાન પૂરતું નથી, પરંતુ જીવનમૂલ્યો, સંસ્કાર, શિસ્ત, જવાબદારી અને માનવતાનું શિક્ષણ પણ એટલું જ જરૂરી છે. શિક્ષકોએ વિદ્યાર્થીઓમાં સારા સંસ્કારો અને મૂલ્યોનું સિંચન કરી તેમને એક સારા નાગરિક તરીકે ઘડવા માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ.
કાર્યક્રમના મુખ્ય મહેમાન જીગ્નેશભાઈ અંદાડિયાએ પણ પ્રસંગોચિત ઉદ્બોધન આપી શિક્ષકોની સમાજ અને રાષ્ટ્રનિર્માણમાં રહેલી મહત્વપૂર્ણ ભૂમિકાને બિરદાવી હતી. તેમણે શિક્ષકને માત્ર વિષયનું જ્ઞાન આપનાર વ્યક્તિ નહીં, પરંતુ વિદ્યાર્થીઓના જીવનને સાચી દિશા આપનાર માર્ગદર્શક ગણાવી શિક્ષક દિનની શુભેચ્છાઓ પાઠવી હતી.
ત્યારબાદ જાણીતા મોટિવેશનલ સ્પીકર શ્રી પુનિત જોશી દ્વારા “FEATURES OF TEACHER” વિષય અંતર્ગત પ્રેરણાદાયી વક્તવ્ય આપવામાં આવ્યું હતું. આ વક્તવ્યમાં અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટના તમામ શિક્ષકગણ જોડાયા હતા. તેમણે જણાવ્યું કે શિક્ષક દીવા સમાન છે, જે પોતે બળીને અન્યના જીવનને પ્રકાશિત કરે છે. શિક્ષકની પ્રમાણિકતા, કરુણા અને વિનમ્રતા થકી જ વિદ્યાર્થીઓનો સાચો વિકાસ શક્ય બને છે અને વિદ્યાર્થીઓના વિકાસ થકી સમગ્ર રાષ્ટ્રનો વિકાસ થાય છે. તેથી શિક્ષકનો વ્યવસાય અત્યંત પવિત્ર અને શ્રેષ્ઠ છે.
