રાજકોટમાં ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોએ એક મોટી સફળતા મેળવી છે. સી.જી.એસ.ટી.કચેરીના એક સુપરિન્ટેન્ડન્ટ અને તેમના વતી લાંચ લેતા એક ટેક્સ કન્સલ્ટન્ટને 20 લાખ રૂપિયાની માતબર રકમ સાથે રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે.
ફરિયાદી સામે જી.એસ.ટી. ન ભરવા અને ખોટા બિલ બનાવવા બાબતે સી.જી.એસ.ટી. કચેરીમાં એક અરજી થઈ હતી. આ કેસમાં મોટી કાર્યવાહી ન કરવા અને મામલો થાળે પાડવા માટે સુપરિન્ટેન્ડન્ટ મુકેશકુમાર મનબૌદ્ધ કુમારે 25 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. લાંબી રકઝક બાદ 20 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું.
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે તાત્કાલિક એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. સુપરિન્ટેન્ડન્ટ મુકેશકુમારે આ લાંચની રકમ ટેક્સ કન્સલ્ટન્ટ આકાશ કલોલીયાને આપવા માટે સૂચના આપી હતી. એ.સી.બી.ની ટીમે રાજકોટ એસ.ટી. બસ સ્ટેશન પાછળ આવેલા ક્રીએટીવ કોમ્પ્લેક્ષમાં છટકું ગોઠવ્યું હતું. જેવું આકાશ કલોલીયાએ ફરિયાદી પાસેથી 20 લાખ રૂપિયા સ્વીકાર્યા, કે તરત જ એ.સી.બી.એ ત્રાટકીને તેને ઝડપી લીધો હતો. આ સાથે જ સુપરિન્ટેન્ડન્ટ મુકેશકુમારની પણ ધરપકડ કરવામાં આવી છે.
