• દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર મોડી રાત્રે ભયાનક અકસ્માત 

  • પંડ્યા પરિવારના 3 સભ્યોને કાળ આંબી ગયો

  • સુરતથી મહીસાગર જઈ રહેલા દંપતી અને પુત્રનું ઘટનાસ્થળે મોત

  • 8 વર્ષની બાળકીનો ચમત્કારિક બચાવ પણ હાલ સારવાર હેઠળ 

  • ટ્રાયલ રન દરમિયાન વધતા અકસ્માતોએ વધારી ચિંતા

પંચમહાલ જિલ્લામાંથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ગોધરા નજીક મોડી રાત્રે એક કાળજું કંપાવી દે તેવી દુર્ઘટના સામે આવી છે.સુરતથી પોતાના વતન મહીસાગર જિલ્લાના મુડાવડેખ ગામે જઈ રહેલા એક બ્રાહ્મણ પરિવારને આ એક્સપ્રેસવે પર કાળ આંબી ગયો હતો.  

પંચમહાલ જિલ્લામાંથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ગોધરા નજીક મોડી રાત્રે એક કાળજું કંપાવી દે તેવી દુર્ઘટના સામે આવી છે. સુરતથી પોતાના વતન મહીસાગર જિલ્લાના મુડાવડેખ ગામે જઈ રહેલા એક બ્રાહ્મણ પરિવારને આ એક્સપ્રેસવે પર કાળ આંબી ગયો હતો.પંડ્યા પરિવારની કાર પૂરઝડપે જઈ રહી હતી ત્યારે ગોધરા પાસે એક ટ્રકની પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને તેમાં સવાર 44 વર્ષીય હેમંતભાઈ પંડ્યા, તેમના પત્ની 42 વર્ષીય કિંજલબેન અને 17 વર્ષીય પુત્ર આયુષનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

આ ગમખ્વાર અકસ્માતમાં 8 વર્ષની માસૂમ દીકરી જૈનીસાનો ચમત્કારિક બચાવ થયો છે, પરંતુ તેને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. અત્યંત દુઃખદ બાબત એ છે કે હજુ થોડા સમય પહેલા જ આ એક્સપ્રેસવે ટ્રાયલ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, છતાં અહીં અકસ્માતોની હારમાળા અટકવાનું નામ નથી લઈ રહી. થોડા દિવસો અગાઉ જ અહીં અન્ય એક પરિવારના 4 સભ્યોએ જીવ ગુમાવ્યો હતો, ત્યારે આજે ફરી એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. હાલ તમામ મૃતકોના શબને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે અને પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.