અમદાવાદ : 22 વર્ષના ખંડણીખોરે ડોક્ટરને આપી ધમકી, 10 લાખ આપી દે નહીં તો જોઈ લઇશ!

New Update
અમદાવાદ : 22 વર્ષના ખંડણીખોરે ડોક્ટરને આપી ધમકી, 10 લાખ આપી દે નહીં તો જોઈ લઇશ!

અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી સીતાબા હોસ્પિટલના ડોક્ટરને ફોન કરી કરણ રબારી નામના શખ્સે રૂ. 10 લાખની ખંડણી માંગી હોવાની ફરિયાદ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. તે બહુ લોકોની પત્તર ફાડી છે. તું મને 10 લાખ આપી દેજે કહી ધમકી આપનાર આરોપી કરણની પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે.


અમદાવાદમાં ડોક્ટર પ્રકાશ પટેલને 10 લાખની ખંડણી માગતો નનામી ફોન આવ્યો હતો. ડોક્ટર પ્રકાશ પટેલ સોલાના શિલ્પ બંગ્લોઝમાં રહે છે અને તેમની સીપીનગર ખાતે સીતાબા હોસ્પિટલ આવેલી છે. ડો. પ્રકાશ પટેલ 1997થી ડોક્ટર તરીકે કાર્યરત છે. સોમવારે રાબેતા મુજબ અન્ય હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને તપાસી અને સીતાબા હોસ્પિટલમાં હાજર હતા ત્યારે અજાણ્યાં નંબર પરથી તેમના મોબાઈલ પર ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ કહ્યું હતું કે, ડો. પ્રકાશ બોલો છો? ડોક્ટરે હા પાડતા તેણે કહ્યું હું કરણ રબારી બોલું છું. તે બહુ લોકોની પત્તર ફાડી છે. તું મને 10 લાખ રૂપિયા આપી દેજે. ખંડણીખોરની ધમકી સામે ડોક્ટરે તારા જેવા બહુ જોયા છે હું પોલીસ ફરિયાદ કરીશ તેવું કહ્યું હતું. જેથી ખંડણીખોરે ગાળાગાળી કરી તું 10 લાખ રૂપિયા નહીં આપે તો જોવું છું. તારી હોસ્પિટલ કઈ રીતે ચાલે છે.તેવી ધમકી આપી અને ફોન કાપી નાખ્યો હતો. આ બાબતે ડોક્ટરે હોસ્પિટલમાં ચર્ચા કર્યા બાદ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મોબાઈલ નંબરના આધારે તપાસ શરૂ કરી છે.

ડોક્ટરે પોલીસ ફરિયાદ કરતા પોલીસે તરતજ જે નંબર પરથી ફોન આવ્યો તેના આધારે કરણ રબારી નામના શખ્સની શોધખોળ શરુ કરી હતી. જે બાદ પોલીસને ચાણક્યપુરી માંથી આ કરણ રબારી મળી આવ્યો હતો. પોલીસ પૂછપરછમાં આરોપીએ ડોક્ટરને ધમકી આપી હોવાનું કબુલ્યું હતું. આરોપી 21-22 વર્ષની ઉંમરનો છે અને ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કર્યો છે. આરોપીને આ પ્રકારે ખંડણી માગવાની અને ધમકી આપવવાની જરૂર કેમ પડી તે બાબતે પોલીસ પૂછપરછ કરી રહી છે.

Latest Stories