/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/03/22203311/2-4.jpg)
અમદાવાદ શહેરમાં આગનું તાંડવ યથાવત રહયું હોય તેમ એક પછી એક આગના બનાવો બની રહયાં છે. સોમવારે સમી સાંજે રીલીફ રોડ પર 10 દુકાનોમાં આગ લાગતાં નાસભાગ મચી ગઇ હતી.
અમદાવાદ શહેરના રીલિફ રોડ પરના સ્પ્રેક્ટમ ટાવરમાં સોમવારે સાંજે રાબેતા મુજબ લોકોની અવરજવર હતી. ત્યાં જ શોપિંગમાં આવેલી એક સર્જિકલ સામાનનું વેચાણ કરતી દુકાનમાં આગ ભભુકી ઉઠી હતી. સર્જિકલની દુકાનમાં લાગેલી આગ પર કાબુ મેળવાય તે પહેલા આસપાસની દુકાનો પણ આગની ઝપેટમાં આવી ગઇ હતી. આગના બનાવના પગલે દોડધામના દ્રશ્યો જોવા મળ્યાં હતાં. કોમ્પલેકસમાં જવાનો રસ્તો સાંકડો હોવાથી સ્થળ પર પહોંચેલી ફાયર બિગ્રેડની ટીમને ભારે હાલાકી વેઠવી પડી હતી. આખરે કોમ્પલેક્ષની રેલિંગ તોડી નાખવામાં આવી હતી અને અંદરની દુકાનોને પણ કટરથી તોડીને પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો હતો. કોઇ જાનહાનિના સમાચાર હજી સુધી સામે આવ્યાં નથી. સ્થળ પરથી મળતી માહીતી મુજબ કીર્તિ ફ્રીઝ નામની દુકાનમાં ગેસના લીધે આગ લાગી હતી અને પ્રસરીને સર્જિકલની દુકાનો સુધી પહોંચી હતી. આગ લાગતાં ધુમાડો પણ વધુ પ્રસરતો હતો જેથી વેક્યુમ ફેમનો પણ ફાયર દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો હતો.