અમદાવાદ : 40 દિવસ બાદ બજારોમાં પાછી ફરી "રોનક", વેપારીઓમાં ખુશીનો માહોલ

New Update
અમદાવાદ : 40 દિવસ બાદ બજારોમાં પાછી ફરી "રોનક", વેપારીઓમાં ખુશીનો માહોલ

અમદાવાદ સહિત રાજયના 36 શહેરોમાં ચાલી રહેલાં લોકડાઉનમાં સરકારે વધુ છુટછાટ આપતાં બજારો ફરીથી ધમધમતાં થયાં છે. આ શહેરોમાં હવે સવારે 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી દુકાનો ખોલવાની છુટ આપવામાં આવી છે.....

રાજયમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થતાં રોજના સરેરાશ 15 હજાર કેસ આવતાં હતાં. કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે રાજય સરકારે 36 શહેરોમાં મીની લોકડાઉન અને નાઇટ કરફયુ જાહેર કરી દીધાં હતાં. મીની લોકડાઉનની સમય મર્યાદા પુર્ણ થતાં પહેલાં કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં 36 શહેરોમાં લોકડાઉનમાં રાહત આપવામાં આવી છે જયારે નાઇટ કરફયુ યથાવત રાખવામાં આવ્યો છે. આજે 40 દિવસ બાદ અમદાવાદ સહિતના શહેરોમાં બજારો ખુલી જતાં વેપારીઓ તથા લોકોને રાહત સાંપડી છે. જો કે હજી શાળાઓ, ટયુશન કલાસીસ, જીમ, મંદિરો અને બાગબગીચાઓ ખોલવાની મંજુરી આપવામાં આવી નથી. રાજયમાં હવે સવારે 9 થી બપોરના 3 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે જયારે ડેરી, મેડીકલ સ્ટોર અને જીવન જરૂરીયાતની વસ્તુઓની દુકાનો 3 વાગ્યા બાદ પણ ખુલ્લી રહેશે. લોકડાઉનના કારણે ધંધો ચોપટ થઇ જતાં વેપારીઓ પણ લોકડાઉનમાં રાહત આપવામાં આવે તેવી પ્રબળ માંગણી કરી રહયાં હતાં. 27મી મે પછી લોકડાઉનમાં હજી વધારે છુટછાટ મળી શકે છે પણ સઘળો આધાર કોરોનાના દૈનિક કેટલા કેસ આવે છે તેના પર રહેલો છે.

રાજ્યમાં આંશિક લોકડાઉનમાં છૂટછાટ મળતા હવે પાનના ગલ્લા, ચાની કિટલી, મોબાઇલની દુકાનો, હોલસેલ માર્કેટ, હેર સલૂન, હાર્ડવેરની દુકાનો, ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ્સ તેમજ રેડીમેડ કપડાની દુકાનો, વાસણની દુકાનો, પંચરની દુકાન તથા ગેરેજો શુક્રવારથી ખુલી ગયાં છે. તમામ દુકાનો 6 કલાક જ ખુલ્લી રાખી શકાશે. બપોરે 3 વાગ્યા બાદ માત્ર આવશ્યક સેવાઓ જ ચાલુ રહેશે. આ દરમિયાન સરકારની ગાઇડલાઇનનું પાલન કરવું પડશે. અમદાવાદમાં 40 દિવસો બાદ બજારોમાં ચહલપહલ જોવા મળી હતી.

Latest Stories