અમદાવાદ : ક્રાઇમ બ્રાન્ચ પોલીસના હાથે વોન્ટેડ બુટલેગર ઝડપાયો, અન્ય ફરાર ગુન્હેગારોને ઝડપી લેવાનું અભિયાન યથાવત

New Update
અમદાવાદ : ક્રાઇમ બ્રાન્ચ પોલીસના હાથે વોન્ટેડ બુટલેગર ઝડપાયો, અન્ય ફરાર ગુન્હેગારોને ઝડપી લેવાનું અભિયાન યથાવત

અમદાવાદ શહેરમાં લૂંટ, હત્યા અને પ્રોહિબિશન જેવા અન્ય ગુન્હા આચરી નાસતો ફરતો વોન્ટેડ બુટલેગર ક્રાઇમ બ્રાન્ચ પોલીસના હાથે ઝડપાયો છે. પોલીસની પૂછપરછમાં આરોપી વિરુદ્ધ 17થી વધુ પાસા અટકાયતો, 50થી વધુ પ્રોહીબીશન અને હત્યાના પ્રયાસ તેમજ ધાકધમકીના ગુન્હામાં ધરપકડ થઈ હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, નાસતા ફરતા કુખ્યાત બુટલેગર રાજુ ઉર્ફે રાજુ ગેંડી શહેરના નોબેલનગરમાં આવ્યો છે, ત્યારે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે તેને ઝડપી લીધો હતો. આ બાદ આરોપીની પૂછપરછ કરતા તેણે છેલ્લા 20 વર્ષથી મળતીયા માણસો રાખી અને પોલીસની નજર ચૂકવી વિદેશી દારૂનો ધંધો કરતો હોવાનું જણાવ્યું હતું. વધુમાં તેના 9 જેટલા માણસો સરદારનગર પોલીસ સ્ટેશન, એરપોર્ટ પોલીસ સ્ટેશન તથા નિકોલ પોલીસ સ્ટેશનમાં પકડાઈ ગયા હોવાનું પણ જણાવ્યું હતું.

જોકે, ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડાયેલા વોન્ટેડ બુટલેગરનું નામ હત્યાના પ્રયાસ, ધાકધમકી આપવી તથા લૂંટના ગુનામાં પણ પોલીસ ચોપડે નોંધાયેલું છે. રાજુ ગેંડી વિરુદ્ધ અમદાવાદ શહેરમાં જુદા જુદા પોલીસ મથકમાં 12 જેટલા ગુન્હાઓમાં નાસતો ફરતો હોવાનું જણાવ્યું હતું, ત્યારે હાલ તો પોલીસે વોન્ટેડ બુટલેગરની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, શહેર પોલીસ દ્વારા અનેક ફરાર ગુન્હેગારોને ઝડપી લેવા માટે પણ ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

Latest Stories