અમદાવાદ: ગુજરાત ભાજપમાં હલચલ, 15 જૂને તમામ ધારાસભ્યોની બેઠક

અમદાવાદ: ગુજરાત ભાજપમાં હલચલ, 15 જૂને તમામ ધારાસભ્યોની બેઠક
New Update

ગુજરાત સહિત આખા દેશમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી હતી ત્યારે આ બીજી લહેરમાં સામાન્ય જનતાને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. આ સમસ્યાને કારણે સરકાર સામે આમ જનતાએ ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને આ જ કારણોસર ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીમાં હલચલ મચી ગઈ હતી. ભાજપના મોટા નેતાઓની થોડા દિવસ પહેલા જ દિલ્હીમાં બેઠક થઈ હતી જેમાં વર્ષ 2022 ની આવનાર વિધાનસભા ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવી હતી.

ભાજપ માટે ઉત્તર પ્રદેશ અને ગુજરાત બંને રાજ્યો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઉત્તર પ્રદેશમાં છેલ્લા 15 દિવસથી રાજકીય ગરમાવો ખૂબ વધી ગયો છે ત્યારે હવે ગુજરાત ભાજપમાં પણ દોડધામ શરૂ થઈ છે. ગુજરાત ભાજપના ધારાસભ્યોને 15 મી જૂને ગાંધીનગર આવવા માટે આદેશ આપી દેવામાં આવ્યા છે. વિધાનસભા હૉલમાં જ ધારાસભ્યોની બેઠક કરવામાં આવશે અને આ બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ હાજર રહેશે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ બેઠકમાં આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવી શકે છે તો રાજ્યના પ્રભારી ભુપેન્દ્ર યાદવ પણ ગુજરાતની 2 દિવસીય મુલાકાતે આવી રહ્યા છે.

તેઓ 14 અને 15 જૂન ગુજરાતની મુલાકાત કરશે. સત્તાવાર માહિતી અનુસાર આ બેઠકમાં કોરોના વાયરસ રસીકરણ મુદ્દે ચર્ચા કરવામાં આવશે તથા ત્રીજી લહેરને લઈને તૈયારીઓ માટે પણ ચર્ચા કરવામાં આવશે. આ સિવાય વાવાઝોડાના કારણે થઈ રહેલા નુકસાન પર પણ ચર્ચા કરવામાં આવશે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કહ્યું કે સત્તાધારી પાર્ટી દ્વારા આ પ્રકારની મીટીંગ નિયમિત રૂપે થતી હોય છે. નોંધનીય છે કે બેઠકમાં રાજ્યના મહામંત્રી તથા ગુજરાત પાર્લામેન્ટ્રી બોર્ડના નેતાઓ તથા જનરલ સેક્રેટરી પણ હાજર રહેશે.

#Gujarat News #Connect Gujarat News #C R Patil #Gujarat BJP #Vijay Rupani
Here are a few more articles:
Read the Next Article