શહેરના કાલુપુર રેલ્વે સ્ટેશન પર 2006માં થયેલા બોમ્બ બ્લાસ્ટ કેસમાં વોન્ટેડ આરોપી મોહસીનની એટીએસની ટીમે પુણેથી ધરપકડ કરી છે. આગાઉ કાલુપુર બ્લાસ્ટ કેસમાં 9 આરોપીઓ પકડાઈ ચુક્યા છે અને વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 2 અને 3 પર ટેલિફોન બુથમાં બોમ્બ પ્લાન્ટ કરવાના કેસમાં વોન્ટેડ મોહસીન નામના આતંકીને ગુજરાત એટીએસે ઝડપી લીધો છે. આરોપી 2006થી નાસ્તો ફરતો હતો અને મહારાષ્ટ્રના પૂણેમાં છુપાયેલો હતો. બાતમી આધારે એ.ટી.એસ. ટીમે સદર જગ્યાએ વોચમાં રહી ટેકનિકલ સર્વેલેસ આધારે આરોપી મોહસીનને ઝડપી પાડેલ છે.
આરોપી એ પોતાનું ઘરનું સરનામુ બદલી નાખેલ અને બહાર આવવાનું સતત ટાળતો હતો. ઘરની નજીક મદ્રેસામાં ભણાવવાનું કામ કરતો હતો. વર્ષ 2006માં કાલુપુર રેલવે સ્ટેશન પર ટેલિફોન બુથ બ્લાસ્ટ કેસમાં વોન્ટેડ આરોપીઓને લશ્કર-એ-તૈયબા આતંકી સંગઠન મદદ કરતો હતો. એટીએસ મોહસીનના રિમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરશે અને પૂછપરછ હાથ ધરશે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 12 આરોપીઓ પકડાયા છે અને 11 આરોપીઓ પકડવાના બાકી છે.
વર્ષ 2006માં આરોપી મોહસીન ભરૂચના કંથારીયા મદ્રેસા ખાતે અભ્યાસ કરતો હતો. મોહસીન અને ઇરફાન કોલ્હાપુરવાળો સહિત અન્ય યુવાનોને પાકિસ્તાન ખાતે આતંકવાદી સંગઠન લશ્કરે તોઇબાની રાહબરી હેઠળ આતંકવાદી તાલીમ લેવા માટે મોકલી આપવામાં આવેલ હતા. જેના ભાગરુપે અમદાવાદ રેલ્વે સ્ટેશન ખાતે બ્લાસ્ટને અંજામ આપ્યો હતો. લશ્કર-એ-તોયબા આતંકી સંસ્થાનના સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું છે. જણાવી દઇએ, આ પહેલા એટીએસે નાસતો ફરતો વોન્ટેડ આરોપી અબ્દુલ રઝાક ગાજીની બાંગ્લાદેશ બોર્ડર પાસેથી ધરપકડ કરી હતી.