/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/28170650/maxresdefault-375.jpg)
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને પ્રદેશ કોંગ્રેસના સંગઠનને લઇ બેઠકોનો ધમધમાટ છે અમદાવાદ પ્રદેશ કાર્યાલય ખાતે અધ્યક્ષ અમિત ચાવડા અને પ્રભારી રાજીવ સાતવની ઉપસ્થિતમાં આગેવાનોની બેઠક મળી હતી.
આ બેઠકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ લંબાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી અને ચૂંટણીમાં પ્રચાર પસારના મુદ્દા પર વાત કરવામાં આવી હતી. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણી માટે આખરે કોંગ્રેસે આળસ મરડી છે. પ્રદેશ કોંગ્રેસ પહેલી જાન્યુઆરીથી રાજ્યમાં જન સંપર્ક કરશે તો સાથે રાજ્યમાં પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલ લોકોને પાર્ટીમાં સામેલ કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વધારેમાં વધારે યુવાઓને તક આપવામાં આવે અને દરેક કાર્યકર્તા અને નેતાઓ મતભેદ ભૂલી કાર્ય કરે તેવી સૂચના પણ આપવામાં આવી છે.
પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે આગામી ચૂંટણીઓમાં પ્રદેશ કોંગ્રેસ એકજુટ થઇ મેદાનમાં આવશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઇ ટૂંક સમયમાં જિલ્લા પ્રભારી અને ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. જાન્યુઆરીમાં પ્રથમ સપ્તાહમાં ઉમેદવારોની પસંદગીની પ્રકિયા પૂર્ણ કરવામાં આવશે. ખેડુતોના આંદોલન સહિતના અનેક મુદ્દાઓને લઇ કોંગ્રેસ લોકોની વચ્ચે જશે.