/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/03/31155129/AHM-VRUX-DHARASAY.jpg)
અમદાવાદના મણીનગર વિસ્તારમાં શાકભાજી લેવા માટે આવેલી વૃધ્ધાને રસ્તામાં મોત મળી ગયું હતું. મણીનગર બીઆરટીએસ સ્ટેન્ડ પાસે લીમડાનું વિશાળ વૃક્ષ ધરાશાયી થઇ વૃધ્ધા પર પડયું હતું.
સામાન્ય રીતે ચોમાસામાં વૃક્ષો ધરાશાયી થવાના બનાવો બનતાં હોય છે પણ અમદાવાદના મણીનગર વિસ્તારમાં ઉનાળામાં વૃક્ષ તુટી પડવાની ઘટના બની છે જેમાં એક વૃધ્ધાને જીવ ગુમાવવો પડયો છે. અમદાવાદના મણિનગર BRTS બસ સ્ટેન્ડ સામે આઈ શ્રી ખોડિયાર મંદિર સકુંલને અડીને લીમડાનું મોટું વૃક્ષ આવેલું છે. આ વૃક્ષ 100 વર્ષ કરતાં પણ વધારે જુનુ હોવાનું માનવામાં આવે છે. આ વૃક્ષ અચાનક ધરાશાયી થઇ આસપાસની શાકભાજી અને નાસ્તાની લારીઓ ઉપર પડયું હતું.
લીમડાના વૃક્ષ નીચે એક વૃધ્ધા દબાઇ હતી. મંદિરમાં આરતીનું સમાપન થયા બાદ વૃક્ષ ધરાશાયી તુટવાની ઘટના બનતાં મોટી હોનારત થતાં અટકી હતી. ફાયરબ્રિગેડના લાશ્કરોએ દોડી આવી વૃધ્ધાને બહાર કાઢી હતી. મૃતકની ઓળખ કાંકરીયાની ચંદ્રપ્રકાશ સોસાયટી વિભાગ -2માં રહેતાં રેણુકા મહેતા તરીકે થઇ હતી. ચા ની કીટલી ધરાવતા આધેડ મોતીસિહ રાજપુતે બુમરાણ મચાવતાં અનેક લોકો ભાગવામાં સફળ રહયાં હતાં અને તેમનો જીવ બચી ગયો હતો. વૃક્ષ તુટી પડવાના કારણે કલાકો સુધી ટ્રાફિકજામ થઇ ગયો હતો.