/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/25172548/maxresdefault-103.jpg)
દેશભરમાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો મંડરાય રહયો છે ત્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસે નવતર અભિગમ હાથ ધર્યો છે. જેના ભાગરૂપે પોલીસે દરેક ગામના સરપંચ અને આગેવાનોને ગ્રામ્ય મિત્રનું બિરૂદ આપ્યું છે.
ગ્રામ્ય વિસ્તારમાં વધતા કોરોના સંક્રમણની વિકટ સ્થિતિમાં પોલીસ લોકોને અનેક રીતે મદદરૂપ થઇ રહી છે. કોરોના મહામારીને નાથવા પોલીસે અનેક સેવાકાર્યો કર્યા છે. કેટલાય પોલીસ કર્મચારીઓની કામગીરીની નોંધ તો સોશિયલ મિડીયામાં પણ ગર્વથી લેવામાં આવી છે. દેશભરમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઇ છે તેવા હવે ત્રીજી લહેરનો ખતરો મંડરાય રહયો છે. લોકડાઉન અને નાઇટ કરફયુમાં પોલીસ જવાનો ખડેપગે ફરજ બજાવી રહયાં છે. કોરોનાની બીજી લહેરમાં ગ્રામ્ય વિસ્તારો મોટાપાયે અસરગ્રસ્ત થયાં છે ત્યારે ગામડાઓમાં સંક્રમણ રોકવા પોલીસના ગ્રામ્ય મિત્ર પ્રોજેકટનો મંગળવારના રોજથી પ્રારંભ કરાયો હતો..આ પ્રસંગે રાજયના પોલીસવડા આશિષ ભાટીયા હાજર રહયાં હતાં.
અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા પોલીસ ગ્રામ્ય મિત્ર નામનો અનોખો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ત્રણ હજાર કરતાં પણ વધુ ગ્રામ્ય પોલીસ મિત્રો પોતાનું યોગદાન આપી પોલીસને કોરોનાની જંગ જીતવામાં પોલીસ સાથે ખભેથી ખભા મિલાવશે. ગ્રામ્ય પોલીસ મિત્ર પોતાના ફળિયા કે મહોલ્લામાં પડતી વિશેષ જરૂરીયાત અંગે પોલીસ સાથે સંકલનમાં રહીને લોકોને મદદરૂપ થશે. સાથોસાથ પોલીસ દ્વારા તેમને આપવામાં આવેલી ઈમરજન્સી કીટથી ગ્રામજનોને કોરોના સમયમાં પડતી હાલાકીમાં પણ મદદ કરવા પ્રયત્નશીલ રહેશે. આ સિવાય સમયાંતરે પોલીસ તરફથી ગ્રામજનોને આગેવાનો સાથેની મીટીંગ કર્યાના ફોટો કે માહિતી પણ ડિજિટલ પોર્ટલમાં અપલોડ કરી શકશે.
અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા શરૂ કરાયેલ પ્રોજેક્ટ સંવાદ બાદ ગ્રામ્ય પોલીસ મિત્રનો પ્રોજેક્ટ સફળ થાય તે માટે દરેક ગામડાઓમાં સરપંચ સહિત આઠ વ્યક્તિઓની એક ટીમ બનાવવામાં આવી છે. પોલીસનું માનવું છે કે કોરોનાની મહામારીને હરાવવામાં ખુબ જ મોટી મદદ મળશે. સાથે જ કોરોના બાદ પણ અનેક અંતરિયાળ ગામડાઓ કે જિલ્લાઓ સુધી જ્યાં પોલીસ નથી પહોંચી શકી તેની સચોટ માહિતી પોલીસને મળશે. જેનાથી ગુનો ભેદ ઉકેલવામાં કે નાની મોટી ફરિયાદનો તાત્કાલિક નિકાલ આવી શકશે.