ગુજરાતમાં અમદાવાદથી કેવડીયા વચ્ચે શરૂ થનારી સી પ્લેન સેવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રારંભ કરાવવા જઇ રહયાં છે ત્યારે સાબરમતી રીવરફ્રન્ટને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે.
આગામી 31 ઓક્ટોબરે વડાપ્રધાન મોદી સી પ્લેન પ્રોજેક્ટનું લોકાર્પણ કરવાના છે. ત્યારે તેમના આગમન પહેલાં પોલીસ દ્વારા સુરક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતેના વોટર એરોડ્રામ ખાતે લોકોની અવર જવર પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. સુરક્ષાના કારણોસર હાલમાં સામાન્ય લોકો વોટર એરોડ્રામ તરફ અવર જવર નહીં કરી શકે.
વડાપ્રધાનના આગમન પહેલાં સુરક્ષાના કારણે કોઈ પણ પ્રકારની કચાશ ન રહી જાય તેની તકેદારી પોલીસ વિભાગ દ્વારા રાખવામાં આવી રહી છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે હાલ સ્થાનિક પોલીસના જવાનો અને SRPના જવાનો તહેનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત SPGના જવાનો પણ સવાર સાંજ ડોગ સ્કવોડ સાથે તપાસ કરી રહ્યા છે. આજે સાંજે 300 જેટલા પોલીસ જવાનોને બંદોબસ્ત માટે રિવરફ્રન્ટ ખાતે બોલાવી પોઇન્ટ ફાળવી દેવામાં આવ્યા છે. રિવરફ્રન્ટની બને બાજુ ભારે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ઉપરાંત આઇટીબીટી ના કમાન્ડો પણ તૈનાત રહેશે.