/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/23164529/maxresdefault-107-234.jpg)
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી નજીક આવતા જ ભાજપ-કોંગ્રેસે સામસામે આકરા પ્રહાર કરવાનું શરૂ કરી દીધું છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને ભાજપ પ્રવક્તા પ્રશાંત વાળા વચ્ચે જાણે શાબ્દિક યુદ્ધ સર્જાયું હોય તેમ વર્તાઇ રહ્યું છે.
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી નજીક આવતા જ ભાજપ-કોંગ્રેસે સામસામે આકરા પ્રહાર કરવાનું શરૂ કરી દીધું છે, ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર કરોડો રૂપિયા ખર્ચીને ધારાસભ્યો ખરીદ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો, ત્યારે ભાજપ તરફથી પણ વળતો પ્રહાર કરી પ્રવક્તા પ્રશાંત વાળાએ કહ્યું હતું કે, કોંગ્રેસ પોતાનું ઘર સંભાળે પછી ભાજપની વાત કરે…
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, ભાજપે રૂપિયા આપીને ધારાસભ્યો ખરીદ્યા છે, ઉપરાંત ખેડૂતોને આપેલા વચનો પૂરા કરવાની બાબત હોય, યુવાનોની ભરતી પ્રકિયા હોય કે પછી પ્રાઇવેટ શાળા-કોલેજોની ફી માફ કરવાનો મુદ્દો હોય, આ તમામ મોર્ચે ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે, ત્યારે હવે આવનારા દિવસોમાં વિધાનસભાની પેટાચૂંટણીમાં મતદાતાઓ ભાજપને જવાબ આપશે.
જોકે કોંગ્રેસના આરોપનો વળતો જવાબ આપવા ભાજપના પ્રવક્તા પ્રશાંત વાળા પણ મેદાને આવ્યા હતા. કોંગ્રેસમાં આંતરિક જૂથબંધી ચરમસીમાએ છે અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા નિષ્ફળ ગયા છે. જે પોતાની નિષ્ફળતા છુપાવવા ભાજપ પર ખોટા આરોપ લગાવી રહ્યા છે. કોંગ્રેસનું ડૂબવું કે, તૂટવું નવી વાત નથી. વર્ષ 1947થી લઇ અત્યાર સુધીમાં કોંગ્રેસના 70 વખત ભાગલા પડ્યા છે અને અમિત ચાવડાના આવ્યા બાદ પણ 20 ધારાસભ્યોએ પાર્ટી છોડી છે. ઉપરાંત આવનારી પેટા ચૂંટણીમાં મતદાતાઓ ભાજપને જંગી વિજય અપાવશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
આમ ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલ ધારાસભ્યોનો મુદ્દો હવે ગરમાઈ રહ્યો છે. કોંગ્રેસ સતત ગદ્દાર કહી આ મુદ્દો ઉઠાવી રહી છે, તો ભાજપ કોંગ્રેસને તેનો ભૂતકાળ યાદ કરવાની શિખામણ આપી રહી છે. પણ એક વાત નક્કી છે કે, આ પેટાચૂંટણીમાં આયાતી ઉમેદવારનો મુદ્દો મુખ્ય બની રહ્યો છે.