અમદાવાદમાં ખુનની કોશિષ, કોલસેન્ટર સહીતના 8 ગુન્હાઓમાં નાસતા ફરતા 2 આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યા છે. આ બન્ને આરોપીઓ છેલ્લા ઘણા સમયથી અમદાવાદ પોલીસને ચકમો આપી રહ્યા હતા. પરંતુ હવે બન્ને આરોપીઓ પોલીસ ગિરફ્તમાં આવી ગયા છે.
અમદાવાદના બાપુનગરમાં વર્ષ 2020માં પૈસાની લેતી-દેતી બાબતે 2 વ્યક્તિઓ પર ફાયરિંગ કરી હત્યા કરવાની કોશિશ કરવામાં આવી હતી. જે કેસમાં આજદિન સુધી ફરાર આરોપી ગૌરવ ચૌહાણ અને તેનો સાગરીત અજય ભદોરિયાની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે ચાંદખેડામાંથી ધરપકડ કરી છે. આરોપીઓની વધુ પૂછપરછ કરતાં બાપુનગર હીરાવાડી પાસે ઓફિસ ધરાવતા અશોક ગોસ્વામી નામની વ્યક્તિ સાથે પૈસાની લેણદેણની અદાવત હોવાથી પોતાના સાગરીતો સાથે અશોક ગોસ્વામીની ઓફિસ ખાતે જઈ પોતાની પાસે રહેલ પિસ્ટલથી અશોક ગોસ્વામી ઉપર ફાયરિંગ કર્યું હતું. જોકે, સદનસીબે પિસ્ટલમાંથી ગોળી છૂટતા બન્ને આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
જોકે, આરોપી ગૌરવ ચૌહાણ ખૂનની કોશિશના ગુન્હામાં નાસતો ફરતો હતો. તે દરમ્યાન ગૌરવ ચૌહાણ ગોવા તથા અમદાવાદમાં વિદેશી નાગરિકોને કોલ કરી, છેતરપિંડી કરી રૂપિયા પડાવવાની કોલ સેન્ટર ચલાવતા સાગર મહેતાની સાથે ભાગીદારી કરી હતી. પોતાના ભાગીદાર સાગર મહેતાની મણીનગર ઝઘડીયા બ્રીજ નજીક આવેલ પ્રતિષ્ઠા એપાર્ટમેન્ટમાં કોલ સેન્ટર ચલાવતો હતો. ત્યારબાદ કુખ્યાત બુટલેગર બંસી સાથે દારૂની હેરાફેરી અને વેપાર કરવાની શરૂઆત કરી હતી. આ સાથે જ પોતાનો સાગરીત અજય ભદોરિયા કમિશન પેટે ઇંગ્લીશ દારૂનો વેપાર કરવાનો હતો. આ બન્ને આરોપીઓ પોલીસથી બચવા માટે અમદાવાદ શહેરના પોશ વિસ્તારમાં હાઇપ્રોફાઇલ ફ્લેટ કે, બંગ્લોઝ ભાડે રાખી છુપાતા રહેતા હોવાની બાતમી મળતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બન્નેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.