/connect-gujarat/media/post_banners/308ddfdf8493587c8f0ba00a526107afdfb08eee93c8121d54cadd3f40b6dddf.jpg)
અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં ચાઇના ગેંગના કુખ્યાત સાગરીતને પકડવા ગયેલી પોલીસકર્મીઓ પર હુમલો કરી ઈજાગ્રસ્ત કરનાર 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે ઝોન-4ના DCP કાનન દેસાઈએ જણાવ્યું હતું કે, હત્યાના કેસમાં જીગ્નેશ ઉર્ફે પકો નામનો આરોપી મહિલા સેલ પોલીસ મથકના પોલીસ કર્મચારીના હત્યા કેસમાં જેલમાં બંધ હતો. જે ગત તા. 17 ફેબ્રુઆરી 2023ના રોજ 10 દિવસના વચગાળાના પેરોલ જામીન પર છૂટ્યો હતો. જામીન બાદ આરોપી જેલમાં જવાના બદલે ફરાર થઈ ગયો હતો. જેથી આ આરોપી શાહીબાગ વિસ્તારમાં આવેલી મોતીલાલની ચાલી ખાતે હાજર હોવાની બાતમી પોલીને મળી હતી. શાહીબાહ પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફને આ મામલે બાતમી મળતા પોલીસની 2 ટીમ મોતીલાલ ચાલી ખાતે પહોંચી હતી. આ દરમિયાન પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. પરંતુ ત્યાંથી પરત ફરતી વખતે આરોપીના સગા સંબંધીઓએ પથ્થમારો કર્યો હતો. જેમાં શાહીબાગ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ભૂપેન્દ્ર ચૌહાણને માથાના ભાગે ઈજા થઈ હતી. પોલીસ પર ચારે તરફથી પથ્થરમારો થતાં પોલીસે તાત્કાલિક કંટ્રોલ રૂમને જાણ કરી વધુ સ્ટાફ મંગાવ્યો હતો. જે સંદર્ભે 11 આરોપીઓ સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાંથી 8 આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ અન્ય ફરાર આરોપીઓને પણ વહેલી તકે ઝડપી લેવામાં આવશે.