/connect-gujarat/media/post_banners/4e9e9acfb2da98a410976d34e42da516588e4b5fd48734ec9bb27d42693f0e3e.jpg)
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે યુપીના એક ગેંગસ્ટરની મુંબઇથી ધરપકડ કરી છે. ઝડપાયેલા ગેંગસ્ટરના માથે 50 હજાર રૂપિયાનું ઇનામ પણ છે...
અમદાવાદ સહિત ગુજરાતમાં 3 અને અન્ય રાજયોમાં 20 જેટલા ગુનાને અંજામ આપનાર ગેંગસ્ટરની અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમે મુંબઇથી ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ આરોપીને પકડવા ગઈ ત્યારે તેણે પોલીસ સાથે ઝપાઝપી પણ કરી હતી. આરોપી ગમે ત્યારે ફાયરિંગ કરતો હોવાથી 14 દિવસ પોલીસ કર્મચારીઓએ સિક્યુરિટી ગાર્ડ બનીને એપાર્ટમેન્ટમાં નોકરી કરી ગેંગસ્ટરને જીવના જોખમે ઝડપી પાડયો છે. બોટાદમાં પેટ્રોલ પંપ માલિક પર હુમલો તેમજ અમદાવાદ અને પાલનપુરમાં આર્મ્સ એક્ટ જેવા ગુનામાં વોન્ટેડ મનીષસિંગ ઉર્ફે છોટુને અમદાવાદ લવાયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમને આરોપી મનીષસિંગ અંગે બાતમી મળી હતી. આરોપી મુંબઇના વસઇના એક એપાર્ટમેન્ટમાં છુપાયો હોવાની માહિતી મળતાં ક્રાઇમ બ્રાંચના જવાનોએ એપાર્ટમેન્ટના વોચમેન બની 14 દિવસ સુધી આરોપી પર વોચ રાખી હતી.
ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ જે.વી. બુધેલીયા અને તેની સાથે મહાવીરસિંહ તેમજ અન્ય સ્ટાફ મનિષને શોધવા ઘણા સમયથી કવાયત કરી રહયો હતો. મનીષસિંગ સામે ગુજરાતમાં ત્રણ અને અન્ય રાજયોમાં 20 ગુના નોંધાયેલાં છે. મુળ યુપીના રહેવાસી મનીષના માથે 50 હજાર રૂપિયાનું ઇનામ પણ જાહેર કરાયું હતું. હાલ આરોપી અમદાવાદ ક્રાઇમ બ્રાંચના સકંજામાં આવી ગયો છે.