/connect-gujarat/media/post_banners/de6c39bc19e5283d8edaa55c19f3bebae0bfeca904044f7fbcaebb7fc30af09e.jpg)
કોઈ પણ ધંધો નાનો નથી તે કહેવત અમરેલીના યુવાને સાર્થક કરી છે.એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ મોટી ઓફરો અને સરકારી નોકરી મૂકીને મિત્ર સચિન સોલંકી સાથે મળીને પોતે જ્યાં ભણ્યા હતા તે અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજની બહાર જ ચાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે.
અત્યારના સમયમાં યુવાનો ભણીને મોટા પગારની આશા રાખતા હોય છે પણ અમરેલીના યુવાન ઉમેશ બાબરિયાએ સરકારી નોકરી છોડી પોતાનો વ્યવસાય શરૂ કર્યો અને તે પણ ચા નો.... ઉમેશે કોરોના પહેલા એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજ માંથી બીઈ સિવિલ કર્યું તે પછી તેને સરકારી વિભાગમાં 40 હજાર પગારની એન્જિનિયર તરીકે નોકરી પણ મળી. ઉમેશ બાબરિયા મનમાં વ્યવસાય કરવાનું વિચારતા હતા. તેમને બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સેફ્ટી ઓફિસર તરીકે નોકરી મળી હતી.આ દરમિયાન તેના પિતરાઈ ભાઈ સુરતમાં ટેક્સટાઈલ વ્યવસાયની સાથે સાથે પંઢરપુરી ચાનું વેચાણ શરુ કર્યુ હતુ. આ વ્યવસાયને સારો એવો પ્રતિસાદ મળતા ઉમેશને થયું કે હું પણ આ જ દિશામાં કેમ આગળ ન વધું ? અને બસ અમદાવાદમાં એલ ડી એન્જિનિયરિંગ કોલેજના મુખ્ય ઝાંપા પાસે પંઢરપુરી ચાનું આઉટલેટ શરૂ કર્યું.
આ વ્યવસાયમાં તેની સાથે એલ ડી એન્જિનિયરીંગ કોલેજમાંથી જ મિકેનિકલ એન્જિનિયર થયેલા સાવરકુંડલાના મિત્ર સચિન સોલંકી પણ જોડાયા છે.સચિને પણ બી ઇ મિકેનિકલ કરેલું છે.18 ડીસેમ્બરથી તેણે પંઢરપુરી ચાના બેનર હેઠળ આ વ્યવસાય શરૂ કર્યો છે.એલ ડી એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલ, વિદ્યાર્થીઓ અને અધ્યાપકોમાં કોલેજના જ વિદ્યાર્થી એ શરૂ કરેલ પંઢરપુર ચાના વ્યવસાયને લઈને ભારે કુતૂહલ છે. અને લોકો અહી ચા પીવા પણ આવી રહ્યા છે