રાજ્યમાં હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટવાના મામલામાં ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરરાના રાજીનામની માંગ સાથે ઉપવાસ આંદોલન પર ઉતરેલા આપના નેતાઓએ પારણા કર્યા હતા
રાજ્યમાં હેડ ક્લાર્ક ભરતી કૌભાંડમાં ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાને પદ પરથી હટાવી તેમની સામે કાયદેસરના પગલાં ભરવા આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જેમાં પ્રદેશ કાર્યાલય ખાતે પ્રભારી ગુલાબસિંહ યાદવ અને મહેશ સવાણી છેલ્લા 6 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠા હતા. આ ઉપવાસ મામલે સરકારે મચક નહીં આપતા આખરે 'આપ'એ ઝૂકવું પડ્યું છે. મહેશ સવાણીએ SVP હોસ્પિટલમાં અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ અને નૌતમ સ્વામી, મોહનદાસજી મહારાજ અને ઋષિ ભારતી બાપુના વરદ હસ્તે પારણા કર્યાં હતાં. બાદમાં તેઓ નવરંગપુરા આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે આવ્યા હતા, જ્યાં તેમણે પાલક દીકરીઓના હાથે પણ પારણાં કર્યાં હતાં. ગુલાબસિંહ યાદવે પણ પારણા કર્યાં હતાં. આપ નેતા મહેશ સવાણીએ કહ્યું હતું કે અસિત વોરાના રાજીનામાની માગ સાથે અમે આમરણાંત ઉપવાસ પર ઊતર્યા હતા. ભાજપની આંદોલન તોડવાની નીતિ રહી છે અને એ રીતે પંજાબમાં પણ ખેડૂતોએ એક વર્ષ સુધી આંદોલન કર્યું છતાં નેતાઓએ કોઈ ધ્યાન ન આપ્યું. આમ આદમી પાર્ટીના યુથ વિંગના નેતા યુવરાજસિંહ અને પાલક દીકરીઓએ અમને કહ્યું હતું કે જો તમે જીવશો તો આ આંદોલન કરીને આગળ યુવાનોનો અવાજ ઉઠાવી શકશો. આ આંદોલન કરવું હવે તમારું કામ નથી, જેથી આજે પારણાં કરી દેવામાં આવ્યાં છે. હવે આગામી દિવસોમાં યુવરાજસિંહ સહિતના યુવાનો દ્વારા આંદોલન કરવામાં આવશે. જ્યાં સુધી અસિત વોરા પોતાનું રાજીનામું નહીં આપે ત્યાં સુધી આમ આદમી પાર્ટી જંપીને બેસવાની નથી. હવે નેતાઓ અને યુવાનો આંદોલન કરશે.
આ અંગે SPGના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે કહ્યું હતું કે અમારે કોઈ રાજકીય પાર્ટી સાથે કોઈ લેવાદેવા નથી. અમે માત્ર મહેશભાઈ, અમારા સમાજના અગ્રણી હોવાથી તેમની પાસે આવ્યા હતા. અમે એક સંસ્થા સાથે જોડાયેલા છીએ. સરકાર ચાહે કોઈપણ પક્ષની હોય, વિદ્યાર્થીઓ અને ખેડૂતોના પ્રશ્નોને લઈને અમે લડાઈમાં સમર્થન આપીશું આમ છેલ્લા 7 દિવસથી ચાલતા ઉપસવાસ આંદોલનનો અંત આવ્યો છે