/connect-gujarat/media/post_banners/0156cb89937efbb6bb563efd03a52eeb57d61fac548d07d6baddf879a76fb16c.jpg)
અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે વોટર ATM મશીન ઉભા કરવામાં આવ્યા હતા. પરંતુ હાલ આ તમામ વોટર ATM બંધ હાલતમાં રહેતા આ પ્રોજેક્ટ ધૂળ ખાઈ રહ્યો છે.
રાજ્યમાં કાળઝાળ ગરમીમાં લોકો સેકાઈ રહ્યા છે, ત્યારે સામાન્ય શહેરીજન અને ગરીબ વર્ગને શુદ્ધ પીવાનું પાણી ઓછી કિંમતે મળી રહે તે માટે અમદાવાદ શહેરના જાહેર સ્થળોએ 16 જેટલા વોટર ATM મશીન ઉભા કરવામાં આવ્યા હતા. જેમાં 200 મિલી લીટરથી લઈને 20 લીટર સુધી પાણી આપવામાં આવતું હતું. 200 મિલી લીટરની કિંમત 2 રૂપિયા રાખવામમાં આવી હતી, જ્યારે 1 લીટર પાણીની કિંમત 5 રૂપિયા, 5 લીટર પાણી માટે 15 રૂપિયા અને 20 લીટર પાણી માટે 25 રૂપિયા કિંમત રાખવામાં આવી હતી. આ સમગ્ર પ્રોજેક્ટ કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યો હતો. જોકે, હાલ આ પ્રોજેક્ટ પાણીમાં ગયો છે. એટલું જ નહીં, વીજ બિલ ન ભરતા વીજ કનેક્શન પણ કાપી દેવામાં આવ્યા છે. આ વોટર ATM પર લોકો પાણી પીવા તો આવે છે, પણ અહીં તાળું લટકેલું જોઈને લોકો વિલા મોઢે પરત ફરે છે. AMC દ્વારા શરૂ કરાયેલો પ્રોજેક્ટ હાલ ધૂળ ખાઈ રહ્યો છે. જેથી સામાન્ય જનતામાં પણ રોષ જોવા મળી રહ્યો છે.