-
ચાંદખેડામાં કારની તેજ રફ્તારનું ગંભીર પરિણામ
-
XUV કાર ચાલકે AMTS બસમાં કાર ધડાકાભેર અથાડી
-
કારમાં સવાર એક વ્યક્તિનું કરૂણ મોત,કાર ચાલક ઈજાગ્રસ્ત
-
કારમાંથી દારૂની ફૂટેલી બોટલ પણ મળી આવી
-
પોલીસે અકસ્માતનો ગુનો નોંધી શરૂ કરી કાર્યવાહી
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.AMTSની બસના પાછળના ભાગમાં XUV કાર ઘૂસી જતાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે,જ્યારે અન્ય ઈજાગ્રસ્ત થયા છે.અને કારમાંથી પોલીસને દારૂની બોટલ પણ મળી આવી હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદના ચાંદખેડા ગામ બસ સ્ટેન્ડ પાસે આજે 28 માર્ચના રોજ સવારના સમયે AMTS બસ અને XUV કાર વચ્ચે જોરદાર અકસ્માત થયો હતો. બસ સ્ટેન્ડ પર AMTS પેસેન્જર લેવા ઉભી હતી,તે દરમિયાન પાછળથી તેજ રફતારથી આવતી XUV કાર ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં કાર ચાલક પાસે બેસેલા વિકાસ શુક્લા નામના વ્યક્તિનું મોત નિપજ્યું હતું.જ્યારે કારચાલક પ્રકાશકુમાર સિંઘ અને બસમાં ચડતા પેસેન્જરો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.કારની ટક્કર એટલી જોરદાર હતી કે બસ 10 ફૂટ આગળ સુધી ધકેલાઈ હતી. આ સાથે કારમાંથી એક દારૂની ફૂટેલી બોટલ પણ મળી હોવાનું જાણવા મળ્યું છે.
સ્થાનિકોનો દાવો છે કે અકસ્માત સર્જનાર કારચાલકે એક બાઈકને પણ ટક્કર મારી હતી. ડ્રાઈવર કારમાં ફસાઇ ગયો હતો,જેને ગંભીર ઈજાઓ થઈ છે અને તેને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.અને હાલમાં પોલીસ દ્વારા ઘટના અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.