રાજયમાં ડ્રગ્સના વેપલા સામે પોલીસે લાલ આંખ કરી છે. અમદાવાદ એસઓજીએ પોશ ડોડાના ટુકડા અને પાવડરના 58 કીલો જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડયો છે..
તારીખ 31 ડિસેમ્બર નજીક આવતી હોવાના કારણે શહેરમાં SOG ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પેટ્રોલિંગમાં હતાં ત્યારે તેમને બાતમી મળી હતી કે નરોડામાં પ્રોવિઝન સ્ટોર ચલાવતાં રાકેશ મોદીના મકાનમાં પોશ ડોડાના ટુકડા અને પાવડરનો જથ્થો છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડતાં ડોડાના ટુકડા અને પાવડરનો 58 કિલો 950 ગ્રામ જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 1.76 લાખ રૂપિયાની કિમંતનો પોશ ડોડાનો જથ્થો મળી કુલ 1.76 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો છે. પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપી પાસે 2016 સુધી પોશ ડોડાના વેચાણ માટે લાયસન્સ હતું પણ 2016 બાદ તેમનું લાયસન્સ રીન્યુ થયું નથી છતાં તેઓ ગેરકાયદેસર રીતે વેચાણ કરતાં હતાં.