AIMIM ના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઔવેસી આજે એક દિવસની અમદાવાદની મુલાકાતે આવી પહોચ્યા છે. તેઓ ખાનપુર હોટલમાં આવનારી વિધાનસભાની ચૂંટણી સંદર્ભમાં AIMIM કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો. પાર્ટીનું સંગઠન વધુ મજબૂત કરવા તેમજ જે કમજોરી છે, તે દૂર કરવા ઔવેસી અમદાવાદ આવ્યા હોવાનું જણાવ્યુ હતું. ઉપરાંત પોઝિટિવ મુદ્દા અને સંપૂર્ણ વિઝન સાથે ચૂંટણી લડવા તેઓએ આહ્વાન કર્યું હતું. રાજ્યમાં રામનવમી પર થયેલા હિંસા મુદ્દે ઔવેસી જણાવ્યુ હતું કે, ક્યાંય પણ હિંસા કોઈ માટે સારી નથી. પરંતુ આ માટે રાજ્ય સરકાર જવાબદાર હોય છે.
રાજ્ય સરકાર જો ઈચ્છે તો હિંસા થાય અને ન ઈચ્છે તો ન થાય. હિંસા થઈ એ માટે સરકાર જવાબદાર છે. જે લોકો જવાબદાર છે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ, જ્યારે RSSના પ્રમુખ મોહન ભાવગતના અખંડ ભારતના નિવેદન મુદ્દે ઔવેસીએ જણાવ્યુ હતું કે, 'અખંડ ભારતની વાત કરો છો, તો પૂરું અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, પાકિસ્તાન કબજો કરેલું કાશ્મીર, શ્રીલંકા અને ચીન છે, તેની વાત કરો.' આ ઉપરાંત તેઓ સાણંદ રોડ પર શાંતિપુરા પાસે AIMIMના કાર્યકર્તાઓ સાથે વાતચીત કરશે. ત્યારબાદ મુસ્લિમ બિરાદરો સાથે ઇફતાર પાર્ટી પણ કરશે. જે બાદ ઔવેસી આખી રાત શાંતિપુરા ખાતે કાર્યકર્તાઓ સાથે રોકાણ કરશે. જોકે, ગત વર્ષે રાજ્યમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં અમદાવાદ મહાનગરપાલિકામાં ઓવૈસીની AIMIM પાર્ટીએ પણ ખાતું ખોલાવ્યું હતું. જેમાં જમાલપુર બેઠક પર ચારેય તેમજ મકતમપુરા બેઠક પર AIMIMના 3 ઉમેદવારની જીત થઈ હતી, ત્યારે હવે AIMIMનો આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવવાનો પ્લાન છે.