Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : નકલી પોલીસથી "સાવધાન", વેપારીનું અપહરણ કરી રૂ. 21 હજાર પડાવી લીધા...

અમદાવાદ : નકલી પોલીસથી સાવધાન, વેપારીનું અપહરણ કરી રૂ. 21 હજાર પડાવી લીધા...
X

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના રામોલમાં તો અસામાજીક તત્વો પોલીસની નિષ્ક્રિયતાના કારણે ઘર કરી ગયા હોય તેમ લાગી રહ્યું છે. નકલી પોલીસ બનીને એક વ્યક્તિનું અપહરણ કર્યું હતું, અને રૂપિયા પડાવ્યા છે, ત્યારે નકલી પોલીસ સામે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી અનુસાર, ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ડભાણ ખાતે રહેતા વિપુલ સુથાર બારેજા-ખેડા રોડ પર આવેલી એક કંપનીમાં નોકરી કરે છે. ધનતેરસના દિવસે તેઓ નોકરીએથી છૂટીને તેમની બહેનના સુરેલિયા એસ્ટેટ ખાતે આવેલા ઘરે જમવાનો પ્રોગ્રામ હોવાથી ત્યાં જતા હતા. રાત્રે તેઓ ઈશ્વર વે બ્રિજ નામના કાંટા પાસે પહોંચ્યા, ત્યારે બાઇક પર 2 લોકો આવ્યા અને તેમને રોક્યા હતા.

2 શખ્સોએ અમે વટવા જીઆઇડીસી પોલીસ ડિ સ્ટાફમાં છીએ, તેમ કહી એક શખ્સે પોતાનું નામ વિક્રમબાપુ કહીને, તું ખોટા કામ કરે છે, ચાલ અમારી સાથે, તેમ કહી યુવકનું બાઇક લઈ અન્ય શખ્સ આગળ જતો હતો. બાદમાં આરોપીઓએ તને હાટકેશ્વર પોલીસ સ્ટેશન લઈ જવાનો છે. કહીને તેમને લઈ જતાં રસ્તામાં જ બાઇક પર આરોપીઓએ યુવકને મોટા કેસમાં ફસાવી, તારી જિંદગી બગડી જશે, તેમ કહી તેમની અને તેમની પાસે રહેલા સામાનની તલાશી લીધી હતી.

બાદમાં પતાવટ કરવા 55 હજાર માંગતા યુવકે મનાઈ કરતા તેને જશોદાનગર પોલીસ સ્ટેશન લઈ જવાનું કહી પુનિતનગર તરફ લઈ ગયા હતા. બાદમાં આરોપીઓએ 20 હજાર માંગી પતાવટ કરવાની ઓફર કરી હતી. જોકે, યુવકે મનાઈ કરતા તેને માર મારી એટીએમમાં લઇ ગયા હતા, જ્યાં તેની પાસે 20 હજાર અને એક હજાર એમ 21 હજાર બળજબરીપૂર્વક કઢાવી લઈ રવાના કર્યો હતો.

યુવક વટવા જીઆઇડીસી પોલીસમથકે જતા, આરોપીઓ ટેમી પાછળ પણ ગયા, અને બાદમાં પોલીસ સ્ટેશન સામેથી જ ફરાર થઇ ગયા હતા. બનાવ રામોલ વિસ્તારમાં બન્યો હોવાથી યુવકને રામોલ મોકલતા રામોલ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Next Story