રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસ ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ આજે કોંગ્રેસમાં જોડાયા છે. તેઓએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો.
રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસે ગત તા. 4 નવેમ્બરના રોજ ભાજપને રામ રામ કહી રાજીનામું આપ્યું હતું. તેઓએ 20 દિવસ બાદ ભાજપ સામે મેદાને ઉતરી સિધ્ધપુર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને ટેકો જાહેર કર્યો હતો. તેઓ સિદ્ધપુર બેઠક માટે ભાજપની સેન્સ આપવા પહોચ્યા હતા. ત્યારબાદ તેઓ અશોક ગેહલોતને પણ મળ્યા હતા. એક તરફ કોંગ્રેસે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી, તેના થોડા સમય બાદ જ મોડી રાત્રે જયનારાયણ વ્યાસે ભાજપને રામ રામ કહ્યા જોવાના સમાચાર વાયુવેગે પ્રસર્યા હતા. રાજીનામું આપ્યું તેના થોડા દિવસ પહેલા જયનારાયણ વ્યાસે અમદાવાદ સર્કિટ હાઉસમાં અચાનક રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાતના ખાસ ચૂંટણી પ્રભારી અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી. આમ હવે આ અટકળોનો અંત આવ્યો છે, અને તેઓ વિધિવત રીતે કોંગ્રેસના સભ્ય બન્યા છે. જય નારાયણે વ્યાસે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો, ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અશોક ગેહલોત, આલોક શર્મા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.