Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : ભાઈ-બહેન બન્યા બંટી-બબલી, ફ્રેન્ડશીપ ક્લબના નામે કરી કરોડો રૂપિયાની છેતરપિંડી

ફ્રેન્ડશીપના નામે ભાઈ-બહેને કરી કરોડો રૂપિયાની છેતરપિંડી, ભાઈ અને બહેનની સુરતમાંથી LCB પોલીસે કરી છે ધરપકડ.

X

અમદાવાદ ગ્રામ્ય LCB પોલીસે ફ્રેન્ડશીપ ક્લબના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનારા કોલ સેન્ટરના રેકેટનો પર્દાફાશ કર્યો છે. ગ્રામ્ય LCB પોલીસે સુરત શહેરમાંથી આ કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. કોલ સેન્ટરમાં કોલર તરીકે કામ કરતા ભાઈ-બહેનને પોલીસે ઝડપી પાડ્યા છે. તો ભાઈ-બહેન કેવી રીતે ચલાવતા હતા સમગ્ર રેકેટ, આવો જોઈએ અમારા આ અહેવાલમાં.

આપની સ્ક્રીન પર દેખાતા બન્ને આરોપીઓના નામ શનિ પારેખ અને નેહા પારેખ છે. બન્ને આરોપીઓ સગા ભાઈ-બહેન છે. આરોપી નેહા પારેખ કોલ સેન્ટરમાં કોલર તરીકે કામ કરતી હતી, જ્યારે સની પારેખ ગ્રુપ બનાવી ન્યૂડ ફોટો મોકલવાનું કામ કરતો હતો. જોકે, ગ્રામ્ય LCB પોલીસે આ કોલ સેન્ટરમાં રેડ કરતા બન્ને આરોપીઓની ધરપકડ કરી સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો છે.

આરોપીઓ પાસેથી 5 સ્માર્ટફોન, 10થી વધુ કોલ સેન્ટરમાં વપરાતી સિસ્ટમ અને 50 હજાર રોકડ રકમ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બન્ને આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં તેઓ છેલ્લા એક વર્ષથી આ સમગ્ર રેકેટ ચલાવતા હોવાનું જણાવ્યુ હતું. એક વર્ષમાં 171 જેટલા લોકોને આ રેકેટનો ભોગ બનાવ્યા છે. ચોંકાવનારી વાત તો એ છે કે, આરોપીઓના બેન્ક એકાઉન્ટની તપાસ કરતા છેલ્લા એક વર્ષમાં રૂપિયા 1 કરોડથી વધુની રકમનું ટ્રાન્જેક્શન પણ મળી આવ્યું છે.

જોકે, સમગ્ર રેકેટનો માસ્ટર માઇન્ડ કેલ્વિન ઉર્ફે ભાવેશ જોધાણી સહિત 9 જેટલા આરોપીઓ હાલ વોન્ટેડ છે. પોલીસે કેલ્વિન ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે, ત્યારે હવે કેલ્વિનની ધરપકડ બાદ જ ચોંકાવનારા અન્ય ખુલાસા પણ બહાર આવે તેવી શક્યતા છે.

Next Story