Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : સીજી રોડ પર સ્માર્ટ સ્ટ્રીટ લાઈટ પોલ લગાવાયા; જાણો શું છે વિશેષતા

શહેરના સીજી રોડ પર લગાવાયા 19 સ્માર્ટ સ્ટ્રીટ લાઈટ પોલ, વાઈફાઈ, વાહન અને મોબાઈલ ચાર્જિંગની મળશે સુવિધા.

X

અમદાવાદ શહેરની શાન ગણાતા એવા સીજી રોડ પર એએમસી દ્વારા 19 સ્માર્ટ સ્ટ્રીટ લાઈટ પોલ લગાવવામાં આવી રહ્યા છે. આ સ્માર્ટ સ્ટ્રીટ લાઈટ પોલ પર વાઈફાઈ, વાહન અને મોબાઈલ ચાર્જિંગની સુવિધા આપવામાં આવશે. આ સાથે ફ્રી વાઈફાઈની સુવિધા પણ મળશે.

રાજ્યનું સૌથી મોટું મહાનગર અને મેગા સીટી અમદાવાદ હવે સ્માર્ટ સીટી તરફ આગળ વધી રહ્યું છે. ઈલેકટ્રીક કાર માટે ચાર્જિંગ સ્ટેશન અલગ અલગ વિસ્તારમાં ઇન્સ્ટોલ થઇ રહયા છે ત્યારે હવે અમદાવાદની ઓળખ અને શાન સમા સીજી રોડ એએમસી હાઈટેક બનાવી રહી છે કરોડોના ખર્ચે આ રોડને નવું લુક આપવામાં આવી રહ્યું છે તેમાં એએમસી દ્વારા રોડ પર 19 સ્માર્ટ સ્ટ્રીટ લાઈટ પોલ લગાવવામાં આવી રહ્યા છે. આ પોલ ફોર ઇન વન સુવિધાથી સજ્જ છે, જેમાં સ્ટ્રીટ લાઈટ ની સાથે વાઈફાઈ, વાહન ચાર્જિંગ તેમજ મોબાઈલ ચાર્જિંગની સુવિધા આપવામાં આવી છે. આ માર્ગ મહાલક્ષ્મી ચાર રસ્તા પરથી શરૂ થઈને સરદાર પટેલ સ્ટેડિયમ ચાર રસ્તા પર પૂર્ણ થાય છે, જે પાલડી અને નવરંગપુરાને જોડે છે.

સીજી રોડ વધુ આધુનિક બનાવવા માટે અગાઉ પણ કોર્પોરેશન દ્વારા અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા, પરંતુ ટ્રાફિક તેમજ અન્ય કેટલાંક કારણોસર થોડા સમયથી સીજી રોડની રોનક ઘટતી જોવા મળી રહી છે, જેને જોતાં હવે ફરી એડવાન્સ ટેક્નોલોજીની મદદથી કોર્પોરેશન સીજી રોડ અને હાઈટેક બનાવી રહ્યું છે. આ માટે ચીનની એક કંપની પાસેથી બે કરોડના ખર્ચે 19 સ્માર્ટ વીજપોલ મગાવવામાં આવ્યા છે, જેમાંથી હાલમાં 7 મોટા સ્ટ્રીટ લાઇટ પોલ સ્ટેડિયમથી પરિમલ ગાર્ડન સુધીમાં લગાવાયા છે, જ્યારે વાહન ચાર્જિંગની સુવિધાથી સજ્જ 12 નાના પોલ ફૂટપાથ પર લગાવવામાં આવ્યા છે. તમામ સ્માર્ટ પોલમાંથી 7 પોલ 10 મીટર ઊંચા, જ્યારે 12 પોલ 4 મીટર ઊંચા છે.

બે કરોડના સ્ટ્રીટ પોલમાં મોટા પોલની કિંમત આશરે 12.60 લાખ છે, જ્યારે નાના પોલની કિંમત આશરે 8.10 લાખ રૂપિયાની આસપાસ છે. આ પોલમાં નાગરિક પોતાના ઇલેકટ્રીકલ સ્કૂટર ચાર્જ કરી શકશે તો સાથે પોતાના મોબાઈલ પણ ચાર્જ થશે એક સાથે 2 મોબાઈલ ચાર્જ થાય તેવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, તો સાથે એક ડિસ્પ્લે પણ છે જેમાં સરકારી યોજના કે કોઈ પણ જાહેરાત થઇ શકે તો સાથે 2 કિમિના વિસ્તાર કવર કરતો હાઈ ડેફિનેશન કેમેરા પણ ઉપલબ્ધ છે. એટલું જ નહિ પણ કોઈ નાગરિકને કોઈ મુશ્કેલી થાય તો તેમાં ઇમર્જન્સી બટન પણ આપવામાં આવ્યું છે જે કંટ્રોલ રૂમ સાથે કનેક્ટ થશે આમ એએમસી અમદાવાદવાસીઓ હાઈફાઈ સુવિધાથી સભર કરી રહી છે.

Next Story