અમદાવાદના ઘાટલોડિયાથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત થતાં જ તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સીએમ ભૂપેન્દ્ર પટેલ કાર્યાલય પોહચતા જ આતિશબાજી કરી તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ભાજપ દ્વારા રાજ્યમાં ચૂંટણીને લઈ 160 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. તેમાં રાજ્યની સૌથી પ્રતિષ્ઠિત ગણાતી અમદાવાદ શહેરની ઘાટલોડીયા બેઠક પર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ટિકિટ આપવામાં આવી છે. આ જાહેરાત થતાં જ ઘાટલોડીયા સ્થિત તેમના કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં સમર્થકો અને કાર્યકરો ઉમટી આવી ભવ્ય ઉજવણી કરી હતી, ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ કાર્યાલય પોહચતા જ આતિશબાજી કરી તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે મીડિયા સાથે વાત કરતાં સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ વિકાસની રાજનીતિ છે, અને પાર્ટીએ જે વિશ્વાસ મૂક્યો છે, તે બદલ હું તેમનો આભારી છું. પીએમ નરેન્દ્ર મોદીએ દરેક લોકોને વિકાસમાં ભાગીદાર બનાવ્યા છે, અને તેથી જ ગુજરાતની જનતાએ ભાજપ પર મૂકેલો વિશ્વાસ આવનારા દિવસોમાં ખરો સાબિત થશે.