દિવાળી નજીક આવતાની સાથે જ ક્યાંક તોડબાજી તો ક્યાંક લાંચ લેવાનો ધીકતો ધંધો શરૂ થયો છે. તેવામાં ક્યાંક પોલીસ જ આરોપી સાથે મળી જુગારધામ ચલાવતા હોવાનું પણ પોલીસ ચોપડે નોંધાયું છે, ત્યારે અમદાવાદમાં નકલી પોલીસ અને નકલી પત્રકારે તોડ કરવાનો ફાયદો ઉઠાવી સ્પા સેન્ટરમાં રૂપિયા 25 હજાર લેવા પહોચ્યા હતા. અમદાવાદના છેવાડે આવેલા વિવેકાનંદનગર પોલીસની ગિરફ્તમાં રહેલા 2 આરોપી ભાવેશ પટેલ અને હાર્દિક પટેલ છે.
જે સાયબર ક્રાઇમના પોલીસ કર્મી અને પત્રકાર બની સ્પા સંચાલક પાસે તોડ કરવા ગયા હતા. જોકે, સ્પા માલિકે પોલીસ ફરિયાદ નોંધાવતા બન્ને તોડબાજોને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. સાયબર ક્રાઇમના અધિકારી બનીને ગયેલા ભાવેશ પટેલે સ્પા ના સીસીટીવી ચેક કરી વેપારીને ધમકાવ્યો હતો, અને દિવાળી આવે છે માટે 25 હજાર રૂપિયા આપવા પડશે, તેમ કહી ધમકી આપી હતી. જોકે, બીજા દિવસે નકલી પત્રકાર હાર્દિક પટેલને સાથે રાખી તોડ કરવા જતાં પોલીસે બન્નેની ધરપકડ કરી છે.
મહત્વનું છે કે, દિવાળી પહેલા ખંડણીખોર અને તોડબાજી કરી રૂપિયા એકઠા કરનાર પર કાર્યવાહી પણ થઈ રહી છે, ત્યારે ઝડપાયેલા બન્ને આરોપી અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે, કેમ અને અન્ય કોઈ વેપારી પાસેથી ખંડણી ઉઘરાવી છે કે, કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.