/connect-gujarat/media/post_banners/6d99dd0de27ed72c210632f7b5807d666de354cc3ae0d6fad7ce66d3682dd75f.jpg)
મારી ૧૧ વર્ષની દિકરી ફ્લોરા ઘોરણ ૭માં અભ્યાસ કરી રહી છે. ભણી-ગણીને કલેક્ટર બનવું તેનું સ્વપ્ન છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે બીમાર છે. ડોક્ટર કીધું છે કે તેમને બ્રેઇન ટ્યુમર છે. જેથી અમે બધા ખૂબ જ ચિંતિત છીએ. ચિંતા તેના સ્વપ્નને પૂર્ણ કરવાની પણ છે કે હવે તે ક્યારેય કલેક્ટર બની શકશે ? શું ક્યારેય મારી દીકરી ફ્લોરાનું કલેક્ટર બનવાનું સ્વપ્ન પૂર્ણ થશે ખરૂ ? ફ્લોરાની કલેક્ટર બનવાની અદમ્ય ઈચ્છા જ્યારે અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલેને જાણ થઈ ત્યારે તેમણે ફ્લોરા પ્રત્યે સંવેદનશીલતા દાખવીને ક્ષણભર પણ વિલંબ કર્યા વિના તેને એક દિવસ માટે કલેક્ટર બનાવવાની વાત સ્વીકારી લીધી હતી.
સરગાસણમાં રહેતી ફ્લોરાને જિલ્લા કલેકટરની કારમાં કલેક્ટર કચેરીમાં લાવવામાં આવી હતી. ત્યાં દરવાજે તેને ગાર્ડ ઓફ ઓનર અપાયું... ત્યાંથી ફ્લોરાને સીધી જ જિલ્લા કલેકટરની ચેમ્બર માં લઈ જવાઈ... જિલ્લા કલેકટરએ સ્વયં ફ્લોરાને તેમની ખુરશી પર બેસાડીને ફ્લોરાની ઇચ્છા પુર્ણ કરી. ફ્લોરાના ચહેરા પર પણ સ્મિત રેલાયુ હતુ. જિલ્લા કલેકટર સંદીપ સાગલેના આ સંવેદનાપૂર્ણ ઘટના વર્ણવતા કહ્યું હતું કે, ફ્લોરા છેલ્લા સાત માસથી બ્રેઈન ટ્યુમરથી પીડાય છે, નાનપણથી જ ભણવામાં તેજસ્વી એવી ફ્લોરાને કલેક્ટર બનવાની અદમ્ય ઈચ્છા છે.મેક અ વીશ ફાઉન્ડેશન દ્વારા મને જાણ થઈ કે આ દીકરી બ્રેઈન ટ્યુમર થી પીડાય છે, અને તેને કલેક્ટર બનવાની બહુ ઈચ્છા છે.. મેં પળનો પણ વિલંબ કર્યા વિના મારા અધિકારીઓને તેના ઘરે મોકલી ફ્લોરાની આ ઈચ્છા પુર્ણ કરવાની તૈયારી બતાવી હતી. જિલ્લા કલેકટરના આ માનવતાભર્યા અભિગમથી પરિવારના ચહેરા પર સ્મિત રેલાયું છે.