Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: હાઇકોર્ટની કામગીરી હવે તમારી આંગળીના ટેરવે, યુ ટ્યુબ પર લાઈવ સ્ટ્રીમીંગ શરૂ કરાયું

ગુજરાત હાઇકોર્ટની પહેલ, કોર્ટની કામગીરીની લાઇ સ્ટ્રીમીંગ શરૂ કરાયું.

X

સમગ્ર દેશમાં ગુજરાત હાઇકોર્ટ દ્વ્રારા અનુકરણીય કામગીરી કરવામાં આવી છે.હાઇકોર્ટની કામગીરીનું આજથી યુ-ટ્યૂબ પર લાઇવ સ્ટ્રીમિંગ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે સામાન્ય જનતા પણ કોર્ટની કાર્યવાહી લાઈવ નિહાળી શકશે.

દેશમાં ગુજરાત હાઈકોર્ટ કોર્ટ રૂમની તમામ કાર્યવાહી નું જીવંત પ્રસારણ કરનાર દેશની પ્રથમ હાઈકોર્ટ છે. આજથી ગુજરાત હાઇકોર્ટના 18 કોર્ટરૂમની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવામાં આવી રહ્યું છે.જેમાં અરજદાર સહિત જુનિયર એડવોકેટ, પત્રકાર, સામાન્ય જનતા તમામ કાર્યવાહી ગુજરાત હાઇકોર્ટની યુ-ટ્યૂબ ચેનલ પર નિહાળી શકશે. કોર્ટના જીવંત પ્રસારણ કાર્યક્રમનું ઉદઘાટન 1 દિવસ અગાઉ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ એન.વી.રમન્નાએ કર્યું હતું.

જેમાં તેમણે જણાવ્યું હતું કે કોર્ટ કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવાથી લોકોમાં ન્યાયપ્રક્રિયા પરનો વિશ્વાસ મજબૂત રહેશે અને ટ્રાન્સપરન્સી જળવાઈ રહેશે.આજે હાઇકોર્ટના 18 કોર્ટ રૂમમાં સ્ટ્રીમિંગ દરમિયાન દરેક કોર્ટ રૂમને 70 થી વધુ લોકો લાઈવ નિહાળી રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટની યુ-ટ્યૂબ ચેનલના સબ્સ્ક્રાઇબર્સ પણ વધ્યા છે. જોકે લોકો PIL જેવી મેટરની સુનાવણી લાઈવ નિહાળવી વધારે પસંદ કરે છે જેમાં વિદ્યાર્થીઓ કે કોઈ ધાર્મિક બાબતના કેસની સુનાવણી હોય તો એમાં લાઈવ વ્યૂઅર 3થી 4 હજાર સુધી પહોંચી જતા હોય છે.

કોરોના મહામારીને કારણે લોકડાઉન બાદ ગુજરાત હાઈ કોર્ટમાં કેસ ની વીડિયો-કોન્ફરન્સ મારફતે સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પ્રમાણે, ગુજરાત હાઈકોર્ટની વીડિયો-કોન્ફરન્સની સુનાવણી હવે લોકો યુ-ટ્યૂબ પર પણ જોઈ શકે છે. પ્રાયોગિક ધોરણે ચીફ જસ્ટિસની કોર્ટની સુનાવણીમાં યુ-ટ્યૂબ પર લાઈવ સ્ટ્રીમિંગ શરૂ કર્યું રહ્યું હતું અને હવે તે પ્રસારણ કાયમી કરવામાં આવ્યું છે.

Next Story