/connect-gujarat/media/post_banners/8586fbf24e0a2ace26c37b7fb46634bd63b2a7cd04f2c870a1cd71353912292f.jpg)
અમદાવાદમાં ફરી એક વખત ઇન્ટરનેશનલ કોલ સેન્ટરનો પર્દાફાશ થયો છે. અમેરિકન નાગરિકોને ઠગીને પૈસા પડાવતું બોગસ કોલ સેન્ટર સાણંદ-વાસણા નજીકથી ઝડપાયું છે. અમદાવાદ ગ્રામ્ય LCBની ટીમે બાતમીના આધારે સાણંદ પાસેના નટરાજ એસ્ટેટમાં આવેલા ગોડાઉનમાં દરોડા પાડી 19 યુવકોની ધરપકડ કરી છે.
અમદાવાદ ગ્રામ્ય LCB પોલીસે તપાસ કરતા બોગસ કોલ સેન્ટર ચલાવનાર મુખ્ય આરોપી ભાવેશ ઠક્કર અને વિકી પ્રજાપતિ હોવાનું સામે આવ્યુ છે. આ બન્ને આરોપીઓ પોલીસથી બચવા એક ગ્રામ્ય વિસ્તારમાં બંધ ગોડાઉનમાં છેલ્લા એક મહિનાથી 20 સિટિંગવાળું બોગસ કોલ સેન્ટર ભાગીદારીથી શરૂ કર્યું હતું. આરોપીઓ બોગસ કોલ સેન્ટર ચલાવવા માટે દિલ્હી ખાતે ટ્રેનિંગ લેવા ગયા હોવાનું બહાર આવ્યું છે. અમેરિકાના નાગરિકો જેઓએ લોન લીધી હોય અને હપ્તા ન ભર્યા હોય તેવા લોકોને બેંક એકાઉન્ટ બંધ કરી દેવાની અને પોલીસ કેસ કરવાની ધમકી આપીને પૈસા પડાવતા હતા.
બોગસ કોલ સેન્ટરમાં કામ કરતા 19 જેટલા યુવાનો અમદાવાદના જ રહેવાસી છે. આ યુવાનોને 15થી 20 હજાર પગાર આપવામાં આવતો હતો. જોકે, આરોપીઓ લીડ ક્યાંથી મેળવતા હતા અને રૂપિયા કેવી રીતે ટ્રાન્સફર કરતા હતા તે દિશામાં હાલ તો પોલીસ તપાસ કરી રહી છે.