Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : AMCની પાર્કિંગ પોલિસીને પ્રતિસાદ નહીં, અનેક પાર્કિંગ પ્લોટ શોભાના ગાંઠિયા સમાન..!

અમદાવાદ શહેરમાં 33 લાખ ટુવ્હિલર અને 7થી 8 લાખ ફોર વ્હિલર સહિત અન્ય વાહનો મળી કુલ 42 લાખ વાહનો છે,

X

અમદાવાદ શહેરમાં 33 લાખ ટુવ્હિલર અને 7થી 8 લાખ ફોર વ્હિલર સહિત અન્ય વાહનો મળી કુલ 42 લાખ વાહનો છે, ત્યારે AMC પાસે અત્યાર સુધીમાં 70 પ્લોટમાં માંડ 19029 ટુવ્હિલર અને 4515 જેટલા ફોરવ્હિલર માટે પાર્કિંગની વ્યવસ્થા છે. જેની સામે AMCએ બનાવેલા મોટાભાગના મલ્ટિલેવલ પાર્કિંગ ખાલી રહેતા હોય છે.

અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નિયમન માટે AMCએ પાર્કિંગ પોલિસી બનાવી છે. જે હેઠળ વિવિધ બ્રિજ નીચે તેમજ AMCના પ્લોટમાં પાર્કિંગ માટે ફાળવવાની નીતિ અપનાવવામાં આવી છે. અનેક મહત્વના સ્થળોને પાર્કિંગ માટે કોન્ટ્રાક્ટથી આપવા માટે AMC ટેન્ડર મંગાવે છે. હાલની સ્થિતિ જોતાં શહેરમાં હાલ 70 પાર્કિંગ પ્લોટ છે. જેમાં સૌથી વધારે 4582 ટુવ્હિલર પાર્ક થાય તેવી વ્યવસ્થા પૂર્વ ઝોનમાં છે, જ્યારે સૌથી વધારે 1146 કાર પાર્ક થાય તેવી વ્યવસ્થા દક્ષિણ ઝોનમાં છે, ત્યારે લોકોને યોગ્ય પાર્કિંગ મળી રહે તે માટે નવી પોલિસીમાં સ્ટ્રીટ પાર્કિંગ, ઓન રોડ પાર્કિંગ, ઓફ રોડ પાર્કિંગની જોગવાઈ અમલી બનાવવામાં આ‌વી છે. મ્યુનિ.એ અનેક વિસ્તારમાં બ્રિજ નીચે કે, અન્ય રીતે પાર્કિંગ માટે ટેન્ડર મગાવ્યા હોવા છતાં જુજ જગ્યા માટે જ કોન્ટ્રાક્ટરોએ રસ દાખવ્યો છે. અનેક સ્થળોએ પાર્કિંગ પ્લોટ શોભાના ગાંઠિયા બન્યા છે. ઉલ્લેખનીય છે કે, પાર્કિંગની સમસ્યા હલ કરવા મ્યુનિ. અને ટ્રાફિક પોલીસ વારંવાર પોલિસી બનાવે છે પણ તેનો યોગ્ય રીતે અમલ થઈ શકતો નથી. AMCએ ફાળવેલા પાર્કિંગમાં પણ કેટલાક સ્થળે ખુમચા ઉભા કરીને કોન્ટ્રાકટરો પાછલા બારણે કમાણી કરી લેતા હોવાની પણ બૂમો ઉઠી છે. તો બીજી તરફ, પાર્કિંગ કરવા ભાગ્યે જ કોઇ આવતું હોવાનું જોવા મળે છે. જોકે, હવે કાંકરિયા મલ્ટિલેવલ પાર્કિંગની સ્થિતિ પણ આવી જ છે, ત્યારે સિંધુભવન રોડ સહિત અન્ય સ્થળે મલ્ટિ લેવલ પાર્કિંગ ઉભા થઇ રહ્યા છે, જે કેટલો સમય ચાલશે તે હવે આવનારો સમય જ બતાવશે.

Next Story