Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : પેટ્રોલનો ભાવ થયો સદીને પાર, મધ્યમ વર્ગના લોકો માટે મુશ્કેલી..!

X

એક તરફ કોરોના કાળમાં મોંઘવારીએ માજા મૂકી છે. તો બીજી તરફ જીવન જરૂરિયાતી એવા ઈંધણના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવે લોકોને હાલાકીમાં મૂકી દીધા છે. અમદાવાદમાં આજે પેટ્રોલનો ભાવ સદીને પાર થઈ જતાં મધ્યમ વર્ગના લોકો માટે મોટી મુશ્કેલી ઊભી થઈ છે.

છેલ્લા અનેક મહિનાઓથી રાજ્યભરમાં પ્રતિદિવસ ઈંધણના ભાવ સતત વધી રહ્યા છે, ત્યારે આજે અમદાવાદ શહેરમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર થતા લોકોને મોટો આંચકો લાગ્યો છે. ગુજરાતમાં પેટ્રોલના ભાવ જોઈએ તો, છેલ્લા એક વર્ષમાં પેટ્રોલની કિંમતમાં રૂ. 22 જેવો વધારો થયો છે. ગત વર્ષે ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન પેટ્રોલનો ભાવ રૂ. 78 પ્રતિ લિટરની આસપાસ હતો. જોકે, વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધારા પાછળ ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. આ સાથે જ ગુજરાતના પેટ્રોલ પંપ રોજનું 2.66 કરોડ લિટર પેટ્રોલ અને ડીઝલ ખરીદવામાં આવી રહ્યું છે.

જોકે, ઘરેલુ બજારમાં પેટ્રોલ અને ડીઝલની રિટેલ કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમત સાથે જોડાયેલી છે. એનો મતલબ એ છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમત વધે તો ઘર આંગણે પણ પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં વધારો જોવા મળે છે. હાલ વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ 81 ડોલર પ્રતિ બેરલ ચાલી રહ્યો છે. આ ભાવ વધારાના કારણે મોંઘવારી પણ વધશે. જનતાનું કહેવું છે કે, જે પ્રમાણે ભાવ વધી રહ્યા છે તેને જોતા મધ્યમ વર્ગના માણસનો તો હવે મારો થાય તેવું લાગી રહ્યું છે. કારણ કે કમાઈ કમાઈ માત્ર પેટ્રોલ-ડીઝલ ભરવાનું રહેશે. આ સાથે જ સરકારે આ બાબતે થોડું નિયંત્રણ લાવવું પણ જરૂરી બન્યું છે.

Next Story