દેશના 5 રાજ્યોની ચૂંટણી પૂર્ણ થઈ ગઇ છે જેના આવતીકાલે તેના પરિણામ આવશે, ત્યારે ચૂંટણી પરિણામ તુરંત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.પીએમ મોદી ગુજરાત પહોચી અમદાવાદમાં સૌથી મોટો રોડ શો યોજશે.
આગામી ડિસેમ્બર માસમાં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે જેને લઈને પીએમ મોદી હવે ગુજરાત પર ફોકસ કરશે. 5 રાજ્યોના પરિણામ બાદ તુરંત જ પીએમ મોદી ગુજરાત આવી રહ્યા છે, ત્યારે પીએમ બન્યા બાદ તેઓ પ્રથમ વખત પ્રદેશ બીજેપી કાર્યલાય કમલમ ખાતે બેઠકનું આયોજન કરશે. પીએમ મોદી અમદાવાદ એરપોર્ટથી રોડ શો મારફતે કમલમ કાર્યાલય ખાતે પહોંચશે. પ્રદેશ બીજેપીનો દાવો છે કે, કોરોના બાદ પીએમ મોદીનો આ પ્રથમ ભવ્ય રોડ શો હશે. જેમાં અલગ અલગ સમાજના લોકો, એનજીઓ, વિદ્યાર્થીઓ, યુવાઓ સહિત 4 લાખ લોકો પીએમનું અભિવાદન કરવા હાજર હશે. કમલમ કાર્યાલય ખાતે બીજેપીના તમામ ધારાસભ્યો, સાંસદો અને પ્રદેશ હોદ્દેદારોની બેઠક યોજાશે. આગામી ચૂંટણીલક્ષી સંવાદ સાધી પીએમ મોદી ભાજપના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે.