અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મળી મોટી સફળતા
મહિલાઓના ચેકઅપના આપત્તિજનક ફૂટેજ વેચવાનું કૃત્ય
ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા 3 નરાધમોની ધરપકડ કરાય
ત્રણેય આરોપીઓને મેટ્રો કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગ
કોર્ટે 3 આરોપીઓના 1 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મહિલાઓના ચેકઅપ સમયના આપત્તિજનકCCTV ફૂટેજ વેચવાનું કૃત્ય કરનાર 3 નરાધમોની ધરપકડ કરી મેટ્રો કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાં 14 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી. જોકે, કોર્ટે આરોપીઓના 1 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
રાજકોટની હોસ્પિટલમાં મહિલાઓના ચેકઅપ સમયના આપત્તિજનકCCTV ફૂટેજ વેચવાનું કૃત્ય કરનાર પ્રજવલ અશોક તૈલી, ચંદ્રપ્રકાશ ફુલચંદ અને પ્રજ રાજેન્દ્ર પાટીલની અલગ અલગ રાજ્યમાંથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં ત્રણેય આરોપીઓએ મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના પણ વીડિયો વેચ્યા હોવાનો ખુલાસો થયો છે.
આ ત્રણેય આરોપી યુટ્યૂબ અને ટેલિગ્રામ ચેનલમાં આ પ્રકારના વીડિયો વેચતા હતા. આ માટે તેઓ લોકો પાસેથી મોટી રકમ લેતા હોવાની વિગતો પણ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ પાસે આવી છે.
તો બીજી તરફ, CCTV કેઆઇપી એડ્રેસના આધારે રોમાનિયા અને એટલાન્ટાથી હેક થયા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, આ રેકેટ છેલ્લા 1 વર્ષથી ચાલતું હતું. જેમાં અનેક સ્ત્રીઓના વીડિયો આ લોકોને વેચ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. હવે આ સમગ્ર મામલાની તપાસ માટે આરોપીઓના રિમાન્ડની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
ત્રણેય આરોપીઓને મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં સરકારી વકીલ દ્વારા આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી. જોકે, કોર્ટે આરોપીઓના 1 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વીડિયો આરોપીઓએ જાતે ઉતાર્યા છે કે, કોઈની પાસેથી મેળવ્યા છે. તેની પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ પાસે અનેક જાણકારી સામે આવી છે. જે મુજબ અલગ અલગ થિયરી પર પોલીસ કામ કરી રહી છે.