ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા
સિરિયન નાગરિકની કરી અટકાયત
ગાઝા પીડિત હોવાનો કરતો હતો ઢોંગ
ભારતની મસ્જિદોમાંથી દાન એકત્ર કરતો
રાજ્ય અને કેન્દ્રીય એજન્સીઓ દ્વારા તપાસ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક સિરિયન નાગરિકની અટકાયત કરી છે, જે કથિત રીતે ગાઝા યુદ્ધનો પીડિત હોવાનો ઢોંગ કરીને ભારતના વિવિધ શહેરોની મસ્જિદોમાંથી દાન એકત્ર કરતો હતો.
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા પહેલા ગાઝાના પીડિત નાગરિક તરીકે ઢોંગ કરીને મસ્જિદોમાંથી પૈસા ઉઘરાવતી સિરિયન ગેંગનો પર્દાફાશ કર્યો છે. આરોપી 23 વર્ષીય અલી મેધાત અલઝહેર છે, જે સીરિયાના દમાસ્કસનો રહેવાસી છે અને હાલ અમદાવાદના એલિસબ્રિજની હોટેલ રીગલ રેસીડેન્સીમાં રોકાયો હતો. પોલીસે જણાવ્યું કે અલઝહેર ટૂરિસ્ટ વિઝા પર ભારતમાં પ્રવેશ્યો હતો અને અમદાવાદ પહોંચતા પહેલા તેણે અનેક રાજ્યોમાં પ્રવાસ કર્યો હતો, જ્યાં તેણે મસ્જિદોની મુલાકાત લીધી હતી અને પોતે વિસ્થાપિત ગાઝા નિવાસી હોવાનો દાવો કરીને નાણાકીય સહાય માંગી હતી.
ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ જણાવ્યું કે પૂછપરછ દરમિયાન તેણે કબૂલ્યું હતું કે તેણે ગાઝા સંઘર્ષના પીડિત તરીકે દાન એકત્ર કર્યું હતું અને તે પૈસાનો ઉપયોગ લક્ઝુરિયસ જીવનશૈલી જીવવા માટે કરતો હતો. તેના શરીર પર છાતીમાં ઈજાના નિશાન પણ મળ્યા હતા, જેને તેણે યુદ્ધમાં લડતા થયેલી ઈજા ગણાવી હતી.
પોલીસ પૂછપરછ દરમિયાન, અલઝહેરે શરૂઆતમાં માત્ર અરબી ભાષા જાણવાનો ઢોંગ કર્યો હતો. તેણે ખુલાસો કર્યો કે તેના જેવા અન્ય ઘણા લોકો પણ ભારતમાં પ્રવેશ્યા છે, પરંતુ તેની અટકાયત થતાં જ તેઓ છુપાઈ ગયા છે. તેની પ્રવૃત્તિઓ અત્યંત શંકાસ્પદ છે અને તેની રાજ્ય અને કેન્દ્રીય એજન્સીઓ દ્વારા સંયુક્ત રીતે તપાસ કરવામાં આવી રહી છે.