કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ મોંઘવારી મુદ્દે ભાજપ સરકાર પર ગંભીર આરોપ લગાવી રહ્યા છે, ત્યારે મહારાષ્ટ્ર સરકારના પૂર્વ મંત્રી અને મહિલા ધારાસભ્ય યશોમતી ઠાકુરે અમદાવાદ ખાતે કેન્દ્રની ભાજપ સરકાર અને ગુજરાત સરકારને આડે હાથ લઈ મોદી સરકારને જુમલા સરકાર ગણાવી હતી.
રાજ્યમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને દિગ્ગજ મહિલા નેતા યશોમતી ઠાકુર અમદાવાદના પાલડી સ્થિત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોચ્યા હતા, જ્યાં તેમણે પ્રદેશ નેતૃત્વ સાથે બેઠક કરી હતી. આ બેઠક બાદ મીડીયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, કેન્દ્રમાં ભાજપ સરકાર સત્તા પર આવી તે પહેલા ગેસ સિલિન્ડર રૂ. 400થી 600ની વચ્ચે હતો, અને આજે તેનો ભાવ આસમાને આંબી રહ્યો છે. તો સાથે રાજ્યમાંથી ડ્રગ્સ પકડાવના મુદ્દે પણ ગુજરાત સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તા. 7 સપ્ટેમ્બરે દિલ્હીના રામલીલા મેદાન ખાતે મોંઘવારી મુદ્દે કોંગ્રેસ દ્વારા વિશાળ સંમેલન કરવામાં આવશે, ત્યારે વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, દેશમાં જો આજે આવાજ નહીં ઉઠાવીએ તો આવનારી પેઢી આપણને માફ નહીં કરે.
આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલ-ડીઝલમાં ભાવ ઘટયા છે, પણ દેશમાં આ ભાવ વધી રહ્યા છે. સાથે જ દેશમાં બેરોજગારી વધવાના મુદ્દે પણ સરકારને આડે હાથ લીધી હતી. સામાન્ય શહેરીજનના ખિસ્સા ખાલી થઈ રહ્યા છે. કોંગ્રેસ આ બધા મુદ્દે આક્રમક અવાજ ઉઠાવશે, સરકાર જ્યારે પણ ખોટા નિર્ણય કરશે તો કોંગ્રેસ તેની સામે અવાજ ઉઠાવશે. કેન્દ્રની સરકાર કઈ પણ કરે કોંગ્રેસ ડરવાની નથી. આમ કોંગ્રેસ અનેક પ્રશ્નોને લઈ હવે આક્રમક નજર આવી રહી છે.