અમદાવાદ જિલ્લાના વિરમગામના વતની કિરણ મકવાણાએ પોતાની પત્નીને લગ્ન બાદ પણ આગળ ભણાવવા માટે નેમ લીધી છે, ત્યારે પોતાનો અભ્યાસ અધૂરો મુકનાર પત્ની ભાવના મકવાણા આજે ધોરણ 10ની પરીક્ષા આપવા પહોચી હતી.
અમદાવાદ જિલ્લાના વિરમગામના વતની કિરણ મકવાણાએ જણાવ્યું હતું કે, મારી પત્ની ભાવના જે આગળ અભ્યાસ કરવા માંગી રહી છે. પરંતુ મારા પરિવારમાંથી કોઈ મદદ કરી નથી, અને તે ખોટી માન્યતાઓમાં માની રહ્યા છે. તેઓ જણાવી રહ્યા છે કે, લગ્ન બાદ દીકરીએ અભ્યાસ ન કરવો જોઈએ. એ વિચારી રહ્યા છે, પરંતુ મેં વિચાર્યું કે, હું જે રીતે ભણ્યો છું તેવી રીતે હું પણ તેને આગળ ભણાવીશ અને મારા પરિવારમાંથી ભલે કોઈની મદદ ન મળે, પરંતુ હું તેને ભણવામાં પૂરેપૂરી મદદ કરીશ. મારી પત્ની જ્યાં સુધી ભણવા ઈચ્છતી હશે. ત્યાં સુધી તેને હું ભણાવીશ અને જો મારા પરિવારથી મને મદદ મળશે તો ચોક્કસપણે તેને ઓફિસર પણ બનાવવા માંગુ છું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, સમાજમાં મહિલાઓ શિક્ષિત હોય તે ખૂબ જ જરૂરી છે. કારણ કે, એક મહિલાએ જો સારી રીતે અભ્યાસ કર્યો હશે. તો તે પોતાના પરિવાર અને સમાજને પણ મદદરૂપ થઈ શકે છે. પુરુષ હંમેશા પોતાના વ્યવસાય અર્થે બહાર જ હોય છે, ત્યારે મહિલા જો શિક્ષિત હશે તો પોતાના બાળકોને પણ યોગ્ય શિક્ષણ આપી શકશે. જેના કારણે મહિલાઓને અભ્યાસ અને સારું શિક્ષણ મેળવવું ખૂબ જ જરૂરી છે.