/connect-gujarat/media/post_banners/30a58327cfcbfb913dd6c13dee71129b20ad54881e9b3007ccb6acc8e2712aff.jpg)
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સરખેજ ગાંધીનગર હાઇવે પર ટ્રાવેલ્સમાં ગેરકાયદેસર રીતે ચાલતા બાયોડિઝલના વેપલાનો પર્દાફાશ કરી 2 આરોપીની ધરપકડ કરી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે સરખેજ ગાંધીનગર હાઇવે પર આવેલ ઇગલ કનેક્ટનો વેક્સ ટ્રાવેલ્સના પાર્કિંગમાં ગેરકાયદેસર બાયોડીઝલ પંપ ઉભો કરવામાં આવ્યો છે. જેથી ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ તાત્કાલિક ટ્રાવેલ્સના પાર્કિગમાં પહોંચ્યા હતા. ત્યાં એક લોખંડનું કેબિન બનાવેલું હતું જેમાં તપાસ કરતા એક પ્લાસ્ટિકનો મોટો ટાંકો હતો અને પતરાના બોક્સ વાળી ઇલેક્ટ્રિક મોટર અને નોઝલ મળી આવ્યા હતા.
ટાંકામાં બાયો ડીઝલ ભરેલું હતું. આ બાબતે ત્યાં હાજર શખ્સનું નામ પૂછતાં તેનું નામ અનિલ ચૌહાણ હોવાનું જણાવ્યું હતું. તેની પૂછપરછ કરતા પોતે આ બાયોડીઝલ સંગ્રહ કરવાનું અને ટ્રાવેલ્સમાં બાયોડીઝલ ભરવાનું કામ કરતો હોવાનું જણાવ્યુ હતું. આ બાબતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ટ્રાવેલ્સના પાર્કિંગનું સંચાલન કરનાર જ્યેન્દ્ર ઉર્ફે જલુ બાવરિયાને બોલાવી પુછપરછ કરતા તેઓ પાસે કોઈ સર્ટિફિકેટ, NOC સહિતના દસ્તાવેજો મળી આવ્યા ન હતા જેથી ગેરકાયદેસર રીતે પોતાના જ પાર્કિંગમાં આ બાયોડીઝલ પંપ બનાવ્યો હતો.પોલીસે 400 લીટર જેટલું બાયોડીઝલ જપ્ત કર્યું હતું અને કેબીનને સીલ મારી જ્યેન્દ્ર બાવરિયા તેમજ અનિલ ચૌહાણ સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.