અમદાવાદમાં 2008ની સાલમાં થયેલાં સિરિયલ બોંબ બ્લાસ્ટ કેસની સુનાવણી 13 વર્ષ બાદ પુર્ણ થઇ છે. કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. તમને જણાવી દઇએ કે સિરિયલ બોંબ બ્લાસ્ટમાં 56 લોકોએ પોતાના જીવ ગુમાવી દીધાં હતાં....
અમદાવાદ શહેર 2008ની સાલની 26મી જુલાઇના રોજ અમદાવાદ શહેરમાં જનજીવન રાબેતા મુજબ ચાલી રહયું હતું. જોતજોતામાં અમદાવાદ શહેર શ્રેણીબધ્ધ બોંબ ધડાકાઓથી ધણધણી ઉઠયું હતું. બોંબ બ્લાસ્ટમાં ઘાયલ થયેલાંઓને હોસ્પિટલ લાવવામાં આવ્યાં હતાં પણ આતંકવાદીઓએ હોસ્પિટલના પટાંગણમાં પણ બોંબ ધડાકાઓ કર્યા હતાં. 70 મિનિટમાં થયેલાં 21 બોંબ ધડાકાઓએ અમદાવાદને ધ્રુજાવી દીધી હતી. આ કેસમાં સીમીની સંડોવણી બહાર આવી હતી. એક આતંકવાદી સાજીદ મન્સુરીની ભરૂચની લુકમાન પાર્ક સોસાયટીમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ગોધરાકાંડનો બદલો લેવા કટ્ટરવાદીઓએ બોંબ ધડાકાનું આખુ કાવતરૂ રચી પાવાગઢની તળેટીમાં તાલીમ લીધી હતી. બોંબ ધડાકાઓમાં 56 નિર્દોષ લોકોએ જીવ ગુમાવી દીધાં હતાં.
અમદાવાદ બોંબ બ્લાસ્ટના કેસમાં કુલ 77 લોકોનાં આરોપી બનાવાયા હતા.13 વર્ષ લાંબી સુનાવણી બાદ ફરિયાદ પક્ષે 1,100 સાક્ષીઓના નિવેદનો નોંધ્યાં હતા. ડિસેમ્બર 2009થી આ કેસની સુનાવણી ચાલી રહી હતી. સુનાવણી બાદ ચુકાદો કોર્ટે અનામત રાખ્યો છે. બોમ્બ વિસ્ફોટમાં 56 લોકોનાં મોત થયા હતાં. જ્યાં 200 લોકો ઘાયલ થયા હતા. પોલીસે દાવો કર્યો હતો કે ઇન્ડિયન મુજાહિદ્દીન સાથે જોડાયેલા લોકોએ આ બોમ્બ વિસ્ફોટો કર્યા હતા. આરોપોમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે ઈન્ડિયન મુજાહિદ્દીને 2002માં ગોધરાની ઘટના બાદ થયેલા રમખાણોનો બદલો લેવા માટે બોંબ ધડાકાઓનું કાવતરૂ ઘડી તેને અંજામ આપ્યો હતો. અમદાવાદમાં બ્લાસ્ટ થયાના થોડા દિવસો બાદ સુરતમાં વિવિધ સ્થળોએથી બોમ્બ મળી આવ્યા હતા. આ પછી અમદાવાદમાં 20 અને સુરતમાં 15 FIR નોંધાઈ હતી. આ કેસમાં અત્યાર સુધીમાં 85 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.