/connect-gujarat/media/post_banners/5d7da690163c4d279b24822af2f35a9b8ffdea4c3d89891b90bdac9796655559.jpg)
અમદાવાદ શહેરમાં ફરી એકવાર હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં પાનના ગલ્લે ગયેલા યુવક પર સામાન્ય બાબતે બોલાચાલી થતા એક યુવકે ચપ્પુથી હુમલો કરી હત્યાને અંજામ અપાયો હતો. જે અંગે પરિવારજનો દ્વારા કૃષ્ણનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર, મૂળ સુરેન્દ્રનગરના અને હાલ અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા રણવીરસિંહ ઝાલા નામના યુવકની હત્યાની ઘટના સામે આવી છે. ગત રવિવારે રાતના સમયે રણવીરસિંહ ઝાલા ઘરેથી ગલ્લે જવા નિકળ્યો હતો, અને રાતના સવા બાર વાગ્યાની આસપાસ વિજય પાર્ક ચાર રસ્તા પાસે આવેલા લક્કી સેવન ગલ્લા પર અજીત, રૂત્વીજ ગઢવી તેમજ પ્રકાશ નામના મિત્રો સાથે બેઠો હતો. જે બાદ રણવીરસિંહ ઝાલા ચાલતો ચાલતો જઈ રહ્યો હતો, અને તેનો મિત્ર અજીત ગલ્લાની અંદરથી બહાર આવ્યો ત્યારે અભિષેક ઉર્ફે કંદુ ચૌહાણ નામનો યુવક રણવીરસિંહને સામે કેમ જોવે છે, તેમ કહીને બોલાચાલી અને ગાળાગાળી કરતો હતો. જેથી રણવીરસિંહે ગાળો આપવાની ના પાડતા અભિષેક ઉર્ફે કંદુ ચૌહાણ ઉશ્કેરાયો હતો, અને પોતાના ખિસ્સામાંથી ચપ્પુ કાઢી રણવીરસિંહના પેટના ભાગે મારી દીધું હતું. જેથી પ્રકાશ ઉર્ફે રાજા નામનો મિત્ર વચ્ચે પડતા અભિષેકે તેને પણ હાથના કાંડાના ભાગે ચપ્પુ મારી દીધું હતું. જે બાદ અજીત તેના મિત્ર રણજીતસિંહ પાસે ગયો હતો. રણવીરસિંહ લોહીલુહાણ હાલતમાં હોવાથી તેને પોતાની ગાડી પર બેસાડી કૃષ્ણનગર દસ માળીયા ખાતે દવાખાને લઈ જવામાં આવ્યો હતો, જ્યાં દવાખાનું બંધ હોવાથી 108 બોલાવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તબીબે રણવીરસિંહ ઝાલાને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ પરિવારજનોને થતા તેઓ પણ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. જે બાદ પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જે અંગે પરિવારજનો દ્વારા કૃષ્ણનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી હત્યારા અભિષેક ઉર્ફે કંદુ ચૌહાણની શોધખોળ આરંભી છે.