અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો આજથી પ્રારંભ થશે. 31 ડિસેમ્બર સુધી ચાલનારા કાંકરિયા કાર્નિવલને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરાશે. આ વખતે વસુધૈવ કુંટુંમ્બકમ-એક ધરતી એક પરિવારની થીમ પર કાર્નિવલ યોજાશે. તો રાત્રે વિકસિત ભારત સંકલ્પ થીમ પર લેસર શોનું આયોજન કરાયું છે. વર્ષ 2003 થી મનાવવામાં આવતા કાર્નિવલમાં છ દિવસમાં એક લાખ લોકો આવવાનો અંદાજ છે. કાંકરિયા કાર્નિવલમાં આ વર્ષે લેસર શો,ડ્રોન શો અને લાઈટીંગ શો આકર્ષણનું કેન્દ્ર રહેશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કાર્નિવલ ખુલ્લો મુકાશે.120 સીસીટીવી કેમેરાની મદદથી પોલીસ કાર્નિવલમાં અનિચ્છનીય ઘટના ન બને તે માટે નજર રાખશે.
કાર્નિવલમાં 3 ભવ્ય સ્ટેજ બનાવવામાં આવ્યા છે. જેમાં લોકસંગીતકારો અને હાસ્ય કલાકારો લોકોનું મનોરંજન કરશે. તો સુરક્ષા વ્યવસ્થાને લઇને પણ પોલીસે એક્શન પ્લાન કર્યો છે. જેમાં 2 ડીસીપી, 5 એસીપી, 14 પીઆઇ, 66 પીએસઆઈ, 963 પોલીસ જવાનો, 200 મહિલા પોલીસ, 150 હોમગાર્ડ જવાનો સહિત ૧૩૦૦ પોલીસ જવાનો બંદોબસ્તમાં હાજર રહેશે.
આ સાથે એસ.આર.પી.ની એક કંપની ,બોમ્બ ડિસ્પોઝલની છ ટીમો કાર્યરત રહેશે. ત્યારે મહિલાઓની છેડતીના બનાવોને રોકવા કુલ નવ શી ટીમ ખાનગી ડ્રેસમાં કાંકરિયામાં તૈનાત રહેશે. સુરક્ષા માટે 120 સીસીટીવી કેમેરા લગાવાયા છે. આ ઉપરાંત ડ્રોનથી પણ સર્વેલંસ કરવામાં આવશે. તો કાકરિયા ખાતે આવતા લોકોને મુશ્કેલી ન પડે અને અવ્યવસ્થા ન સર્જાય તે માટે કેટલાક વિસ્તારને નો પાર્કિંગ ઝોન, નો સ્ટોપ ઝોન અને નો યુ ટર્ન ઝોન જાહેર કરાયા હતા.