નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને રાહત
સોનિયા ગાંધી-રાહુલ ગાંધીને કોર્ટ તરફથી રાહત અપાય
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓ દ્વારા યોજાય પદયાત્રા
ખાનપુર ભાજપ કાર્યાલય પર જવાની તૈયારી દર્શાવાય
પોલીસે અમિત ચાવડા સહિતના નેતાઓની અટકાયત કરી
નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને વિપક્ષ નેતા રાહુલ ગાંધીને કોર્ટ તરફથી રાહત મળતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ અમદાવાદમાં ખાનપુર સ્થિત ભાજપ કાર્યાલય પર જવાની તૈયારી દર્શાવતા પોલીસે અમિત ચાવડા સહિતના નેતાઓની અટકાયત કરી હતી.
નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના સિનિયર નેતા સોનિયા ગાંધી અને વિપક્ષ નેતા રાહુલ ગાંધીને કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી હતી. જેને લઇને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા અમદાવાદના નેહરુબ્રિજ ખાતેથી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં કોંગી નેતાઓ અને કાર્યકર્તાઓ ખાનપુર સ્થિત ભાજપ કાર્યાલય તરફ જઈ રહ્યા હતા, ત્યારે કોંગ્રેસનાં નેતાઓ ભાજપ કાર્યાલય પહોચે તે પહેલા જ પોલીસ દ્વારા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, AMCમાં વિપક્ષ નેતા શહેજાદખાન પઠાણ, કોંગ્રેસના નેતા શાહનવાજ શેખ સહિત કોર્પોરેટરો અને કાર્યકર્તાઓને આગળ જતા અટકાવ્યા હતા.
પોલીસે કોંગ્રેસના તમામ નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. કોંગ્રેસના કાર્યકર્તાઓને બળજબરીથી વાહનમાં બેસાડી અટકાયત કરવામાં આવતા ઝપાઝપી સાથે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યુ હતું હતું કે, કોંગ્રેસ અંગ્રેજો સામે લડી હતી, અને ઝૂકી નહોતી. હવે રાહુલ ગાંધીના નેતૃત્વમાં નવા અંગ્રેજો સામે નવી લડાઈ શરૂ કરવામાં આવી છે. જેમાં પણ કોંગ્રેસ ક્યારેય ઝૂકશે નહીં.